ઈરાને આપેલા 20 સુરક્ષિત પાસનો લાભ લેવા અન્ય દેશોને પાકિસ્તાનની ઓફર
ઇસ્લામાબાદ, 7 એપ્રિલ 2026: મધ્યપૂર્વમાં ચાલી રહેલા યુદ્ધ અને દરિયાઈ અશાંતિ વચ્ચે પાકિસ્તાન એક નવી કૂટનીતિક ચાલ ચાલી રહ્યું છે. વ્યૂહાત્મક રીતે અત્યંત મહત્વની ગણાતી ‘સ્ટ્રેટ ઓફ હોર્મુઝ’માંથી જહાજોને સુરક્ષિત રીતે પસાર કરવા માટે ઈરાને પાકિસ્તાનને 20 સ્પેશિયલ પાસ (પરવાનગી) આપી છે. જોકે, પાકિસ્તાન પાસે આટલા બધા જહાજો ન હોવાથી તે હવે વિશ્વની મોટી તેલ કંપનીઓ અને ટ્રેડર્સને પાકિસ્તાની ધ્વજ હેઠળ જહાજો ચલાવવાની ઓફર આપી રહ્યું છે.
ઈરાને તેના મિત્ર દેશોના જહાજો માટે હોર્મુઝમાંથી પસાર થવા સુરક્ષિત રસ્તો આપવાની વ્યવસ્થા કરી છે. આ અંતર્ગત ઈરાની નેવીની દેખરેખ હેઠળ જહાજોને બહાર કાઢવામાં આવે છે. બ્લૂમબર્ગના રિપોર્ટ અનુસાર, પાકિસ્તાન પાસે ખાડી ક્ષેત્રમાં પૂરતી સંખ્યામાં જહાજો નથી, તેથી તે 20 લાખ બેરલ તેલ લઈ જઈ શકે તેવા મોટા ટેન્કરોની શોધમાં છે. જો આ ટેન્કરો પાકિસ્તાની ધ્વજ સાથે પસાર થાય, તો તેમને ઈરાની સુરક્ષાનો લાભ મળી શકે છે.
હોર્મુઝ પર ઈરાનના ‘રિવોલ્યુશનરી ગાર્ડ્સનું નિયંત્રણ છે. જે જહાજ આ માર્ગનો ઉપયોગ કરવા માંગે છે તેણે IRGC સાથે જોડાયેલી મધ્યસ્થ કંપનીને જહાજની તમામ વિગતો, માલિકનું નામ, માલસામાન અને ક્રૂ મેમ્બર્સની જાણકારી આપવી પડે છે. ખાસ કરીને એ તપાસવામાં આવે છે કે જહાજનો કોઈ સંબંધ અમેરિકા, ઈઝરાયેલ કે ઈરાનના દુશ્મન દેશો સાથે તો નથી ને?
તમામ તપાસ બાદ જો પરવાનગી મળે, તો જહાજે ટોલ ટેક્સ ચૂકવવો પડે છે. આ ફી સામાન્ય રીતે 1 ડોલર પ્રતિ બેરલ થી શરૂ થાય છે અને તેનું પેમેન્ટ યુઆન અથવા ડિજિટલ કરન્સીમાં કરવાનું રહે છે. પેમેન્ટ બાદ જહાજને એક સ્પેશિયલ ‘કોડ’ આપવામાં આવે છે. હોર્મુઝ પાસે પહોંચતા જ રેડિયો દ્વારા આ કોડ જણાવવાનો રહે છે, ત્યારબાદ ઈરાની પેટ્રોલ બોટ તે જહાજને સુરક્ષિત રીતે માર્ગ બતાવી બહાર કાઢે છે.
બે મોટી આંતરરાષ્ટ્રીય તેલ કંપનીઓએ પાકિસ્તાન તરફથી આવી ઓફર મળી હોવાની પુષ્ટિ કરી છે. જો પાકિસ્તાન આ રણનીતિમાં સફળ રહે છે, તો આંતરરાષ્ટ્રીય સ્તરે તેની ભૂમિકા મજબૂત બનશે અને તેલના વેપારમાં તેની વગ વધશે. આ સમગ્ર હિલચાલને પાકિસ્તાનની એક મોટી કૂટનીતિક સફળતા તરીકે જોવામાં આવી રહી છે.


