પાકિસ્તાની સેનાએ બલૂચ લડવૈયાઓ સામે હથિયાર હેઠા મુક્યાં, ખ્વાજા આસિફની કબુલાત
ઈસ્લામાબાદ, 4 ફેબ્રુઆરી 2026: આર્થિક અને રાજકીય સંકટમાંથી પસાર થતા પાકિસ્તાનના બલુચિસ્તાનમાં બીએલએ પોતાની માંગણીઓને લઈને લઈને સરકાર સામે હથિયાર ઉઠાવ્યાં છે. બીજી તરફ બીએલએના લડવૈયાઓ અને પાકિસ્તાન આર્મી સામે હિંસક અથડામણ પણ ચાલી રહી છે. દરમિયાન પાકિસ્તાની નેશનલ એસેમ્બલીમાં રક્ષામંત્રી ખ્વાજા આસિફે ચોંકાવનારી કબુલાત કરતા ખળભળાટ મચી ગયો છે. આસિફે સ્વિકાર્યું છે કે, બલૂચ લડવૈયાઓ સામે પાકિસ્તાન આર્મી વામણી પુરવાર થઈ છે. અત્રે ઉલ્લેખનીય છે કે, દુનિયાભરમાં પાકિસ્તાની પીએમ સહિતના નેતાઓ પોતાની આર્મીને નંબર વન આર્મી કહે છે પરંતુ પાકિસ્તાની આર્મીની પરિસ્થિતિની પોલ ખુદ રક્ષામંત્રી ખ્વાજા આસિફે જે ખોલી નાખી છે.
આર્થિક મુશ્કેલીમાંથી પસાર થઈ રહેલુ પાકિસ્તાન હાલ આંતરિક અસ્થિરતા સામે પણ લડી રહ્યું છે. પાકિસ્તાની સેના બલુચિસ્તાન પ્રાંતમાં અલગાવવાદી સંગઠન બલૂચિસ્તાન લિબરેશન આર્મી (BLA) સામે સૈન્ય કાર્યવાહી કરી રહ્યું છે. પોતાના આ અભિયાનને પાકિસ્તાને ઓપરેશન હેરોફ ફેઝ-2 નામ આપ્યું છે. બલૂચ વિદ્રોહીઓએ અશાંત પ્રાંતના કેટલાક કસ્બાઓમાં એક સાથે હુમલા કર્યાં છે. આ અથડામણમાં લગભગ 80 જેટલા સુરક્ષા જવાનોના મોત થયાં છે અને 30થી વધારે સરકારી મિલકતને નુકશાન થયું છે. દરમિયાન પાકિસ્તાને દાવો કર્યો છે કે, આર્મીના એક્શનમાં ઓછામાં ઓછા 177 જેટલા વિદ્રોહી ઠાર મારવામાં આવ્યાં છે. જો કે, બલૂચ રાષ્ટ્રીય આંદોલનના મુખ્ય નેતા હકીમ બલૂચએ ઈસ્લામાબાદના આ દાવાને ફગાવી દીધો છે.
બલૂચિસ્તાનમાં પાકિસ્તાની સેના બીએલએ સામે લાચાર નજર આવી રહી છે. સેનાએ બલૂચ લડવૈયાઓ સામે હથિયાર હેઠા મુકી દીધા હોય તેવી ચર્ચાઓ વહેતી થઈ છે. એટલું જ નહીં આ અંગે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફે આ અંગે ચોંકાવનારો ખુલાસો કર્યો છે. તેમણે નેશનલ એસેમ્બલીમાં પોતાની લાચારી વ્યક્ત કરીને સ્વીકાર્યું છે કે, પાકિસ્તાની સેના બલુચ લડવૈયાઓનો સામનો કરવા માટે સક્ષમ નથી.


