ભારતીય સેના વિરુદ્ધ પાકિસ્તાનનું ડિજિટલ યુદ્ધ: સેનાધ્યક્ષના ડીપફેક વીડિયો બનાવી ફેલાવાઈ રહ્યું છે ભ્રમ
નવી દિલ્હી, 18 માર્ચ 2026: ભારત વિરુદ્ધ સીધું યુદ્ધ લડવામાં નિષ્ફળ રહેલું પાકિસ્તાન હવે ‘ડિજિટલ પ્રોપેગેન્ડા’નો સહારો લઈ રહ્યું છે. સોશિયલ મીડિયા પર હાલમાં ભારતીય સૈન્ય અધિકારીઓના એઆઈ (આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ) દ્વારા તૈયાર કરાયેલા ફોટા અને વીડિયોનો રાફડો ફાટ્યો છે. પાકિસ્તાની સેનાની મીડિયા વિંગ DG-ISPR દ્વારા સંચાલિત આ સિસ્ટમનો મુખ્ય હેતુ ભારતીય જનતામાં સેના પ્રત્યે અવિશ્વાસ અને ભ્રમ પેદા કરવાનો છે.
ગુપ્તચર તપાસમાં પાકિસ્તાની ડિજિટલ ઓપરેટિવ ગેંગના મુખ્ય સભ્યોના નામ, ફોટા અને મોબાઈલ નંબર સહિતની વિગતો બહાર આવી છે. જેમાં નૂર અબ્બાસ મિર્ઝા, હફસા મલિક, મોહસિન અલી, જુનૈદ મુખ્તાર અને શહીર હૈદર જેવા નામ સામેલ છે. આ ટોળકી એડિટ કરેલા વીડિયો દ્વારા કાશ્મીર મુદ્દે ભ્રામક માહિતી ફેલાવવા અને આતંકી ઘટનાઓને યોગ્ય ઠેરવવાનું કામ કરી રહી છે.
પાકિસ્તાની ગુપ્તચર એજન્સી દ્વારા ‘બદ્રી 313 સાયબર ફોર્સ’ નામનું નેટવર્ક ઊભું કરવામાં આવ્યું છે. આ નેટવર્ક માત્ર ભારત વિરોધી નેરેટિવ જ નથી ફેલાવતું, પરંતુ પાકિસ્તાની સેનાની ટીકા કરનારા પત્રકારો અને કાર્યકરોને પણ નિશાન બનાવે છે. આ ગેંગ ‘બોટ એક્ટિવિટી’ દ્વારા કોઈ પણ એકાઉન્ટ પર હજારો ફેક ક્લિક્સ અને કોમેન્ટ્સ કરી દે છે, જેનાથી સોશિયલ મીડિયા પ્લેટફોર્મનું અલ્ગોરિધમ તે એકાઉન્ટને ફેક માનીને બ્લોક કરી દે છે. ‘ઓપરેશન સિંદૂર’ દરમિયાન આ પદ્ધતિથી 29 યુટ્યુબ વીડિયો અને 141 એક્સ થ્રેડ બ્લોક કરાવાયા હતા.
તાજેતરમાં સેનાધ્યક્ષ જનરલ દ્વિવેદીનો એક ડીપફેક વીડિયો વાયરલ થયો હતો, જેમાં તેમને એવું કહેતા દર્શાવાયા હતા કે ભારતે ઈરાનના યુદ્ધ જહાજની માહિતી ઈઝરાયેલને આપી હતી. જોકે, પીઆઈબી ફેક્ટ ચેક યુનિટ દ્વારા તેને તદ્દન ખોટો ગણાવવામાં આવ્યો હતો, પરંતુ ત્યાં સુધીમાં ઈરાની મીડિયાએ તેને સાચું માનીને પ્રકાશિત કરી દીધું હતું. આનાથી આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતની છબી ખરડવાનો પ્રયાસ થયો હતો. ભારતીય સુરક્ષા એજન્સીઓ હાલમાં આ સાયબર આતંકવાદ સામે લડવા માટે ટેકનોલોજીકલ પગલાં લઈ રહી છે અને નાગરિકોને કોઈ પણ શંકાસ્પદ વીડિયોની ખરાઈ કર્યા વગર શેર ન કરવા અપીલ કરવામાં આવી છે.
આ પણ વાંચોઃ રાજ્યસભામાં સાંસદોના વિદાય સમારંભમાં પીએમ મોદીએ અનુભવી નેતાઓની કરી પ્રશંસા


