પાકિસ્તાનની મુશ્કેલીઓ વધશે, ચીનાબ નદી પરના 4 મેગા પ્રોજેક્ટ્સ યુદ્ધના ધોરણે પૂર્ણ કરવા આદેશ
નવી દિલ્હી, 6 જાન્યુઆરી 2026: પહલગામ આતંકી હુમલા બાદ પાકિસ્તાન વિરુદ્ધ આક્રમક વલણ અપનાવતા ભારતે હવે ‘જળ સ્ટ્રાઈક’ની તૈયારીઓ તેજ કરી દીધી છે. સિંધુ જળ સંધિને સ્થગિત કર્યા બાદ, ભારત સરકારે જમ્મુ-કાશ્મીરમાં ચીનાબ નદી પર બની રહેલા ચાર મોટા હાઈડ્રોપાવર પ્રોજેક્ટ્સને નિર્ધારિત સમય મર્યાદામાં પૂર્ણ કરવાના કડક આદેશ આપ્યા છે. આ પ્રોજેક્ટ્સ માત્ર વીજળી જ નહીં પેદા કરે, પરંતુ પાકિસ્તાન તરફ વહેતા પાણી પર ભારતની પકડ પણ મજબૂત કરશે.
કેન્દ્રીય ઉર્જા મંત્રી મનોહર લાલ ખટ્ટરે જમ્મુ-કાશ્મીરના બે દિવસીય પ્રવાસ દરમિયાન તમામ ડેમ સાઈટ્સની મુલાકાત લીધી હતી. તેમણે પ્રોજેક્ટની કામગીરીની સમીક્ષા કરી એન્જિનિયરો અને અધિકારીઓને સ્પષ્ટ સૂચના આપી છે કે કોઈપણ સંજોગોમાં ડેડલાઈન ચૂકવવી જોઈએ નહીં.
ચીનાબ નદી પાકિસ્તાન માટે ખૂબ જ મહત્વની છે કારણ કે ત્યાંની 90% ખેતી આ નદીના પાણી પર નિર્ભર છે. આ ઉપરાંત, દુલ્હસ્તી સ્ટેજ-2 પ્રોજેક્ટને પણ પર્યાવરણ મંત્રાલયે મંજૂરી આપી દીધી છે, જેની સામે પાકિસ્તાને વાંધો ઉઠાવ્યો હતો પરંતુ ભારતે તેને ફગાવી દીધો છે.
ચીનાબ નદી પાકિસ્તાનની ‘લાઈફલાઈન’ ગણાય છે. જો ભારત આ પ્રોજેક્ટ્સ દ્વારા પાણીના સંગ્રહ અને પ્રવાહ પર નિયંત્રણ મેળવે, તો પાકિસ્તાનની સિંચાઈ વ્યવસ્થા અને ડેમમાં પાણીની અછત સર્જાઈ શકે છે. પહલગામ હુમલા બાદ ભારતે સ્પષ્ટ સંકેત આપ્યો છે કે આતંકવાદ અને લોકશાહીની વાતો એકસાથે નહીં ચાલે, અને હવે ભારત નદીઓના જળ સંસાધનોનો પૂરેપૂરો ઉપયોગ કરશે.


