1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. પાલનપુર માર્કેટ યાર્ડ મગફળીની આવકથી ઊભરાયું, પ્રતિદિન 40 હજારથી વધુ બોરીની આવક
પાલનપુર માર્કેટ યાર્ડ મગફળીની આવકથી ઊભરાયું, પ્રતિદિન 40 હજારથી વધુ બોરીની આવક

પાલનપુર માર્કેટ યાર્ડ મગફળીની આવકથી ઊભરાયું, પ્રતિદિન 40 હજારથી વધુ બોરીની આવક

0
Social Share

પાલનપુરઃ જિલ્લામાં સારા વરસાદ અને સાનુકૂળ હવામાનને લીધે મગફળીનું મબલક ઉત્પાદન થયું છે. જેને લઇ પાલનપુરનું માર્કેટયાર્ડ મગફળીના પાકથી ઉભરાવા લાગ્યું છે.  સિઝનમાં અત્યારસુધીમા 5.60 લાખ ઉપરાંતની બોરીની આવક થઈ છે. અને હાલમાં પણ રોજની 40થી 50 હજાર બોરીની આવક ચાલુ છે. સરકાર દ્રારા મગફળીના ટેકાનો ભાવ 1170 નક્કી કરાયો છે જ્યારે બનાસકાંઠા જિલ્લાના માર્કેટયાર્ડમાં મગફળીના 1200 થી 1500 ભાવ મળી રહ્યા છે. એટલે ખેડુતોને ટેકાના ભાવે મગફળી વેચવામાં કોઈ રસ રહ્યો નથી.

સૂત્રોના જણાવ્યા મુજબ બનાસકાંઠા જિલ્લામાં ચોમાસામાં સારા પ્રમાણમાં વરસાદ પડવાથી મગફળીના પાકનું વિપુલ માત્રામાં ઉત્પાદન થયુ છે. ખેડૂતોએ મગફળીના પાક સરકારી ટેકાના નીચા ભાવે વેચવાને બદલે બજારમાં ચાલતા ઊંચા દામ મેળવવા માટે પોતાનો મગફળી નો પાક હોંશેહોંશે માર્કેટયાર્ડમાં ભરાવી ઉંચા ભાવ મેળવી રહ્યા છે જેને લઈ પાલનપુર માર્કેટયાર્ડમાં સીઝનમાં અત્યાર સુધીમાં 5.6 લાખ ઉપરાંતની મગફળીના પાકની બોરીઓની જંગી આવક થઈ છે, હાલ રોજ 40 હજારથી વધુ બોરીની આવક છે. તેના લીધે  માર્કેટયાર્ડ પણ મગફળીથી ઉભરાવા લાગ્યું છે. જેને લઈ વેપારીઓ તેમજ ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

માર્કેટ યાર્ડના સૂત્રોએ જણાવ્યું હતું કે મગફળીની ખેતરમાંથી બહાર કાઢવાની શરૂઆત સપ્ટેમ્બર મહિનામાં થઈ હતી ત્યારથી જ માર્કેટયાર્ડમાં મગફળી ઠલવાઈ રહી છે. સપ્ટેમ્બરમાં 79,450, ઓક્ટોબરમાં 2,14,411 અને નવેમ્બરના નવ દિવસમાં જ 2,66,800 બોરીની જંગી આવક થઈ હતી. આમ ત્રણ મહિનામાં 5,60,661 બોરીની આવક થઈ હતી.  બનાસકાંઠા જિલ્લામાં મગફળીના દાણા કાઢવાની 48 થી વધુ ફેક્ટરી આવેલી છે પરંતુ એકલા પાલનપુર શહેરમાં જ 25 ફેક્ટરીઓ આવેલી છે જે મગફળીમાંથી દાણા કાઢવાની કામગીરી કરે છે. મગફળીના દાણા નીકળ્યા બાદ તેના વેસ્ટ ફોતરા પણ પશુ દાણમાં વપરાય છે અને તેનું પણ મોટું માર્કેટ પાલનપુરમાં છે.

પાલનપુર માર્કેટ યાર્ડના સૂત્રોએ ઉમેર્યુ હતું કે,  હાલ માર્કેટમાં જુદી જુદી છ પ્રકારની મગફળી આવી રહી છે જેમાં G2અનેG24 મગફળીના સૌથી ઊંચા ભાવો 1400 થી 1,550 મળી રહ્યા છે, જ્યારે G20,G32,G37 અને G10 ના 1250 થી 1350 ના ભાવ મળી રહ્યા છે. સૌથી મોટો દાણોG20 ક્વોલિટીનો છે. જેમાંથી સૌથી વધારે તેલ નીકળે છે ઉપરાંતG32 માંથી પણ સૌથી વધુ તેલ નીકળે છે. પાલનપુર તાલુકાના ગામો ઉપરાંત દાંતા, વડગામ, સતલાસણા, ખેરાલુ, સિધ્ધપુર, અમીરગઢ અને દાંતીવાડા ના ખેડૂતો પણ પાલનપુર માર્કેટયાર્ડ  માલ વેચવા માટે આવે છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code