Site icon Revoi.in

પાલનપુર નગરપાલિકાએ ગંદકી ફેલાવનારા પાસેથી રૂપિયા 43.700નો દંડ વસુલ્યો

Social Share

પાલનપુરઃ શહેરના સ્વચ્છ રાખવા માટે નગરપાલિકાનું તંત્ર સક્રિય બન્યું છે. અને  સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. છેલ્લા ત્રણ માસમાં ગંદકી ફેલાવનારાઓ પાસેથી કુલ 43,700 નો દંડ વસૂલવામાં આવ્યો છે, જ્યારે 98 કિલોગ્રામ પ્લાસ્ટિક સામગ્રી જપ્ત કરવામાં આવી છે. ગંદકી સામે નગરપાલિકાની કડક કાર્યવાહીથી નગરજનો સંતોષ વ્યક્ત કરી રહ્યા છે. નગરપાલિકાના મુખ્ય અધિકારી સહિત ટીમ સવારે 7 વાગ્યાથી શહેરના વિવિધ વિસ્તારોની જાતે મુલાકાત લઈ રહ્યા છે.

પાલનપુર નગરપાલિકા દ્વારા શહેરમાં સ્વચ્છતા માટે અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. નગરાપાલિકાની ટીમ દ્વારા રસ્તાઓ, જાહેર સ્થળો, બજાર અને રહેણાંક વિસ્તારોમાં સ્વચ્છતાની સ્થિતિનું નિરીક્ષણ કરવામાં આવે છે. ગંદકી ફેલાવનાર વ્યક્તિઓને તાત્કાલિક સ્વચ્છતા જાળવવા કડક સૂચનાઓ આપવામાં આવે છે. જાહેરમાં નાખવામાં આવેલો કચરો સંબંધિત વ્યક્તિઓ પાસે જ ઉઠાવવામાં આવે છે, જેથી નાગરિકોમાં સ્વચ્છતા અંગે જાગૃતિ અને જવાબદારીની ભાવના વિકસી શકે,

નગરપાલિકાના મુખ્ય અધિકારીના કહેવા મુજબ જાહેરમાં કચરો ફેંકતા અને ગંદકી કરનારા સામે છેલ્લા ત્રણ માસ દરમિયાન કુલ 43,700 નો દંડ વસૂલવામાં આવ્યો છે. આ ઉપરાંત, છેલ્લા ત્રણ દિવસમાં ₹4,100 નો દંડ લેવામાં આવ્યો છે. પર્યાવરણને નુકસાન પહોંચાડતી 98 કિલોગ્રામ પ્લાસ્ટિક સામગ્રી પણ જપ્ત કરવામાં આવી છે.  આ કામગીરીનો મુખ્ય ઉદ્દેશ્ય શહેરને સ્વચ્છ અને સુંદર બનાવવાનો સ્પષ્ટ સંદેશ આપવાનો છે. નગરપાલિકાએ નાગરિકોને અપીલ કરી છે કે શહેરની સ્વચ્છતા જાળવવામાં સહકાર આપે, પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળે અને કચરો નિર્ધારિત સ્થળે જ નાંખે, જેથી પાલનપુર સ્વચ્છ અને સ્વસ્થ શહેર બની શકે.

Exit mobile version