Site icon Revoi.in

પાલનપુર નગરપાલિકાને હેલ્પલાઈન પર જર્જરિત રસ્તાઓની 60 ટકા ફરિયાદો મળી

Social Share

પાલનપુરઃ શહેરમાં નગરપાલિકા દ્વારા નાગરિકોની સમસ્યા માટે હેલ્પલાઈન સેવા શરૂ કરી છે. જેમાં સૌથી વધુ બિસ્માર રોડ અને રોડ પર પડેલા ખાંડાની ફરિયાદો મળી છે. નગરપાલિકાને છેલ્લા ત્રણ મહિનામાં હેલ્પલાઈન પર 1500થી વધુ ફરિયાદો મળી છે. જેમાં 60 ટકા તૂટેલા રસ્તા, 30 ટકા ગટર – પાણી, 10 ટકા સ્ટ્રીટલાઇટો બંધ હોવાની ફરીયાદો મળી છે. ગટર-પાણી અને સ્ટ્રીટ લાઈટની મોટાભાગની ફરિયાદોનું નિવારણ કરી દેવામાં આવ્યું છે. પણ રોડ-રસ્તાની ફરિયાદોના નિવારણમાં વિલંબ થઈ રહ્યો છે.

પાલનપુર શહેરમાં વિવિધ સમસ્યાઓની રજૂઆત કરવા માટે શહેરીજનોને નગરપાલિકામાં રૂબરૂ ન આવવું પડે તે માટે ત્રણ માસ અગાઉ હેલ્પલાઇન નં. 02742 252031 જાહેર કરાયો હતો. આ અંગે હેલ્પલાઇન ડેસ્ક સંભાળતા કર્મચારીઓના કહેવા મુજબ, હેલ્પલાઈન પર પ્રતિદિન 10 થી 15 ફોન આવી રહ્યા છે. અત્યાર સુધીમાં 1500થી વધુ રજૂઆતો મળી છે. જેમાં સૌથી વધુ તૂટેલા રસ્તાની 60 ટકા જેટલી રજૂઆતો મળી હતી. જ્યારે ગટર – પાણીની 30 ટકા અને 10 ટકા સ્ટ્રીટલાઇટના પ્રશ્નોની રજૂઆત કરવામાં આવી હતી. આ રજૂઆતો તે વિભાગમાં તુરંત મોકલી દેવામાં આવતી હોય છે. જેમાં સ્ટ્રીટ લાઇટ જેવા નાના પ્રશ્નોનું એક દિવસમાં નિરાકરણ કરી દેવામાં આવે છે. જ્યારે ગટરની સમસ્યાઓનો ચારથી પાંચ દિવસમાં ઉકેલ લાવવામાં આવી રહ્યો છે. પણ તૂટેલા રોડની મરામત માટે વિલંબ થઈ રહ્યો છે.

Exit mobile version