
પેરિસ ઓલિમ્પિકઃ હૉકીની સેમીફાઈનલમાં ભારત, પેનલ્ટી શૂટ-આઉટમાં ગ્રેટ બ્રિટનને હરાવ્યું
નવી દિલ્હીઃ ભારતીય હૉકી ટીમે રવિવારે પેરિસ ઓલિમ્પિકની હોકી સ્પર્ધાની ક્વાર્ટર ફાઇનલમાં શૂટઆઉટમાં ગ્રેટ બ્રિટનને 4-2થી હરાવીને સેમિફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. બંને ટીમો નિર્ધારિત 60 મિનિટ સુધી 1-1ની બરાબરી પર રહી હતી. આ પછી શૂટઆઉટ દ્વારા વિજેતાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. પીઆર શ્રીજેશ ફરી એકવાર પોતાની સ્માર્ટ ગોલકીપિંગથી ટીમની જીતનો હીરો બન્યા હતા.
ભારતની મેન્સ હૉકી ટીમ પૅરિસ ઑલિમ્પિકમાં ગ્રેટ બ્રિટન સામેની ક્વૉર્ટર ફાઇનલમાં 1-1ની બરાબરી બાદ પેનલ્ટી શૂટઆઉટમાં 4-2થી જીતીને સેમિ ફાઇનલમાં પહોંચી ગઈ. ભારત સતત બીજી ઑલિમ્પિક્સમાં સેમિ ફાઇનલમાં પહોંચવામાં સફળ રહ્યું છે.
ભારતીય ટીમ ઑલિમ્પિક્સના વધુ એક મેડલથી એક જ ડગલું દૂર છે. ભારત મંગળવાર, છઠ્ઠી ઑગસ્ટની સેમિ ફાઇનલમાં જીતી જશે તો એક મેડલ પાક્કો થઈ જશે. જો ભારત સેમિમાં હારશે તો બ્રૉન્ઝ મેડલ માટેની મૅચમાં રમવું પડશે.
પીઢ ગોલકીપર અને આ ઑલિમ્પિક ગેમ્સ પછી ઇન્ટરનૅશનલ હૉકીમાંથી નિવૃત્ત થનારો પીઆર શ્રીજેશ ફરી એકવાર આ મૅચનો હીરો બની ગયા હતા. તેમણે મુખ્ય મૅચમાં અને પછી પેનલ્ટી શૂટઆઉટમાં અનેક વાર ગોલ થતો રોક્યો હતો.
60 મિનિટની મુખ્ય મૅચમાં કૅપ્ટન હરમનપ્રીત સિંહે ગોલ કરીને ભારતને 1-0થી સરસાઈ અપાવી જે બાદ લી મૉર્ટને ગોલ કરીને સ્કોર 1-1ની બરાબરીમાં લાવી દીધો હતો.
છેક સુધી બન્ને ટીમે સામસામા આક્રમણમાં ગોલ કરવાનો પ્રયત્ન કર્યો હતો, પણ બન્નેની સંરક્ષણની મજબૂત દીવાલને કારણે મૅચમાં વધુ એક પણ ગોલ નહોતો થઈ શક્યો. ભારતના એક ખેલાડીને રેડ કાર્ડ બતાવાતાં લગભગ 42 મિનિટ સુધી ભારતીય ટીમ કુલ 11ને બદલે 10 ખેલાડીથી રમ્યું હતું.
પેનલ્ટી શૂટઆઉટમાં ભારત વતી સુકાની હરમનપ્રીત સિંહ, સુખજીત સિંહ, લલિત ઉપાધ્યાય અને રાજ કુમારે ગોલ કર્યો હતો. બ્રિટન વતી માત્ર જેમ્સ ઑલ્બેરી અને ઝાકેરી વૉલેસે ગોલ કર્યો હતો. જોકે કૉનર વિલિયમસન તથા ફિલ રૉપર ગોલ કરવામાં નિષ્ફળ ગયા હતા.
આ ભારત માટે પ્રેરણાદાયી પ્રદર્શન હતું કારણ કે તેઓ એક ખેલાડી ઓછા હોવા છતાં લગભગ 43 મિનિટ રમ્યા હતા, પરંતુ તેઓ યોદ્ધાઓની જેમ લડ્યા હતા અને ગ્રેટ બ્રિટનને હરાવીને સેમિફાઇનલમાં પહોંચવામાં સફળ રહ્યા હતા.
આ મેચની 17મી મિનિટે અમિત રોહિતદાસને રેડ કાર્ડ બતાવવામાં આવ્યું હતું. ભારતીય ટીમ માટે આ એક મોટો ઝટકો હતો, કારણ કે ટીમના એક મુખ્ય ખેલાડીને મેચના પહેલા ક્વાર્ટરથી જ બહાર બેસવું પડ્યું હતું અને ત્યારબાદ 10 ખેલાડીઓ સાથે રમવા છતાં ભારતીય ટીમ શૂટઆઉટમાં જીતી ગઈ હતી.
અમિતની હોકી સ્ટિક કાલાનના ચહેરા પર વાગી હતી, તેથી જર્મન વિડિયો અમ્પાયરે માન્યું કે, અમિતે જાણી જોઈને આવું કર્યું હતું. આવી સ્થિતિમાં વીડિયો અમ્પાયરની સલાહ પર મેદાન પરના અમ્પાયરે અમિતને રેડ કાર્ડ બતાવ્યું., પરંતુ ભારતીય ખેલાડીઓ માનતા હતા કે આવું જાણી જોઈને થયું નથી. જો વીડિયો અમ્પાયરે યલો કાર્ડ આપ્યું હોત તો તે વધુ યોગ્ય હતું, પરંતુ જીત બાદ ભારતીય ખેલાડીઓને આ ઘટનાનો કોઈ અફસોસ નહોતો.