Site icon Revoi.in

ગ્રામ પંચાયતોને ઓક્ટ્રોય વળતરના અનુદાનરૂપે રૂ. 576 કરોડની રકમ ચૂકવણીનો પ્રારંભ

Social Share

ગાંધીનગરઃમુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે રાજ્યની ગ્રામ પંચાયતોને ઓક્ટ્રોય વળતરના વધારાના અનુદાનરૂપે રૂ. 576 કરોડની રકમ ચૂકવણીનો પ્રારંભ રાજકોટથી કરાવ્યો હતો.

વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીએ 7 ઓક્ટોબર, 2001થી ગુજરાતના મુખ્યમંત્રી તરીકે સફળ દાયિત્વ સંભાળીને આજે વડાપ્રધાન તરીકે દેશને આપેલા સુશાસન અને વિકાસની ઉજવણી પ્રતિવર્ષ ગુજરાતમાં વિકાસ સપ્તાહ તરીકે તા. 7 થી 15 ઓક્ટોબર દરમિયાન કરવામાં આવે છે. આ વર્ષના વિકાસ સપ્તાહના પાંચમા દિવસે મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલ અને મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિમાં રાજકોટ ખાતે રાજ્યકક્ષાનો ‘વિકસિત ગામ, વિકસિત ગુજરાત’ કાર્યક્રમ યોજાયો હતો

આ કાર્યક્રમમાં તેમણે રાજ્યની ગ્રામ પંચાયતોની ઓક્ટ્રોય વળતરના વધારાના અનુદાન રકમની ચુકવણીની પ્રતીકરૂપે શરૂઆત ઉપરાંત ‘સ્વચ્છતા હી સેવા’ અંતર્ગત શ્રેષ્ઠ કામગીરી કરનારી પંચાયત સહિતની આઠ જેટલી સરકારી સંસ્થાઓનું સન્માન અને ચાર સ્વ-સહાય જૂથોનું અભિવાદન કર્યું હતું.

આ અવસરે મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસને વેગ આપવા વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીએ રાજ્યમાં ઓક્ટ્રોય નાબૂદી કરી હતી. ઓક્ટ્રોયની આવકના અભાવે ગામોનો વિકાસ અટકે નહીં, વિકાસ કામો સતત ચાલતા રહે તે માટે છેલ્લા એક દાયકામાં રાજ્યની ગ્રામ પંચાયતોને ઓક્ટ્રોય નાબૂદીના વળતર પેટે વધારાના અનુદાન તરીકે રૂ. 576 કરોડથી વધુનું અનુદાન આપ્યું છે. એટલું જ નહિ, ગામડાઓમાં રોડ, વીજળી, પાણી જેવા ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ માટે વડાપ્રધાનશ્રીએ નાણાપંચની ગ્રાન્ટમાં પણ ઉત્તરોત્તર વધારો કર્યો છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, સમરસ પંચાયતોને પ્રોત્સાહક ગ્રાન્ટ આપવાના વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીના નિર્ણયથી ગ્રામ પંચાયતોના વિકાસને વેગ મળ્યો છે અને આ વર્ષે તો રાજ્યમાં 761 ગ્રામ પંચાયતો સમરસ થઈ છે. પંચાયતના શાસનમાં યુવાનોની ભાગીદારી વધી રહી છે અને આ વર્ષે 42 ટકા સરપંચો 21થી 40 વર્ષના છે. પીએચ.ડી. થયેલા અનેક યુવાનો પણ સરપંચ બનીને ગામનું નેતૃત્વ કરી રહ્યા છે.

મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે રાજકોટ શહેર-જિલ્લાનાં આશરે રૂ. 194 કરોડના વિકાસકાર્યોના ઈ-ખાતમુહૂર્ત કરીને ‘દિવાળી ભેટ’ આપી હતી. સ્વદેશી વસ્તુઓને પ્રોત્સાહન આપવા સખી મંડળો દ્વારા નિર્મિત અનોખી વસ્તુઓ, પટોળા, માટીના વાસણો, હેન્ડીક્રાફટ, મોતીકામ જેવી વિવિધ વસ્તુઓના પ્રદર્શન કમ વેચાણ સ્ટોલ્સ પણ રાખવામાં આવ્યા હતા. તેમજ ડ્રોન દીદીની નવી ટેકનોલોજીની ઉડાન સાથે કાર્યકુશળતાનું પ્રદર્શન યોજાયું હતું.

Exit mobile version