શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શન દરેક નાગરિકનો મૂળભૂત અધિકાર, લાઠીચાર્જ યોગ્ય નથી: સુપ્રીમ કોર્ટ
નવી દિલ્હી, 27 જુલાઈ 2026: નીટ પેપર લીક અને પરીક્ષાની અન્ય અનિયમિતતાઓ સામે દેશભરમાં વિરોધ પ્રદર્શન કરી રહેલા વિદ્યાર્થીઓ પર કથિત પોલીસ બળપ્રયોગ અને અત્યાચારના મામલામાં સુપ્રીમ કોર્ટે ખૂબ જ ગંભીર અને મહત્ત્વપૂર્ણ ટિપ્પણી કરી છે. સર્વોચ્ચ અદાલતે સ્પષ્ટ કર્યું છે કે, શાંતિપૂર્ણ પ્રદર્શન કરવું એ દરેક નાગરિકનો સંવિધાન પ્રદત્ત અધિકાર છે અને તેને કોઈપણ સંજોગોમાં છીનવી શકાતો નથી. કોર્ટે આ મામલે દાખલ તમામ અરજીઓ પર વધુ સુનાવણી મંગળવારે હાથ ધરવાનો નિર્ણય કર્યો છે.
મુખ્ય ન્યાયાધીશ (CJI) સૂર્યકાંતની અધ્યક્ષતાવાળી પીઠએ જણાવ્યું કે માત્ર પ્રદર્શન યોજાવા માત્રથી પોલીસ દ્વારા લાઠીચાર્જ કે અત્યાધિક બળપ્રયોગને યોગ્ય ગણી શકાય નહીં. સુનાવણી દરમિયાન પોલીસકર્મીઓના પરિવારો તરફથી દાખલ થયેલી અરજીનો પણ ઉલ્લેખ કરાયો હતો, જેમાં પ્રદર્શન દરમિયાન પોલીસ પર હુમલો થયાનો આરોપ હતો. આના પર કોર્ટે ટકોર કરી હતી કે દરેક વ્યક્તિનું જીવન મહત્વપૂર્ણ છે, પછી ભલે તે પ્રદર્શનકારી હોય કે ફરજ પરનો પોલીસ કર્મચારી.
અદાલતે અભિપ્રાય વ્યક્ત કર્યો કે, માત્ર દિલ્હી પૂરતું નહીં, પરંતુ સમગ્ર દેશમાં શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શનો માટે એકસમાન માર્ગદર્શિકા (પ્રોટોકોલ) હોવી જોઈએ. પ્રદર્શન માટે ચોક્કસ સ્થાનો નક્કી થવા જોઈએ અને બિનજરૂરી પ્રતિબંધો ન હોવા જોઈએ. જો કોઈ અસામાજિક તત્વો ઉપદ્રવ મચાવે તો તેમની સાથે કાયદાકીય રીતે અલગથી ડીલ કરી શકાય, પરંતુ તેનો અર્થ એ નથી કે તમામ શાંતિપૂર્ણ પ્રદર્શનકર્તાઓ પર દમન ગુજારવામાં આવે.
ગત 20 જુલાઈના રોજ દિલ્હીમાં કોકરોચ જનતા પાર્ટીના નેતૃત્વ હેઠળ કાઢવામાં આવેલા માર્ચ દરમિયાન પ્રદર્શનકારીઓ અને સુરક્ષાકર્મીઓ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. સંસદ તરફ કૂચ કરી રહેલા પ્રદર્શનકારીઓને રોકવા માટે પોલીસે લાઠીચાર્જ અને ટીયર ગેસના શેલ છોડ્યા હતા. આ ઘટના બાદ વિદ્યાર્થીઓએ ન્યાયની ગુહાર લગાવતા સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવ્યા હતા.


