Homerevoinewsકોસ્ટ ગાર્ડે પોરબંદર નજીક યુવાન નાવિકનો જીવ બચાવ્યો, જુઓ Video

કોસ્ટ ગાર્ડે પોરબંદર નજીક યુવાન નાવિકનો જીવ બચાવ્યો, જુઓ Video

પોરબંદર, 27 જુલાઈ, 2026 – કોસ્ટ ગાર્ડે પોરબંદર નજીક યુવાન નાવિકનો જીવ બચાવ્યો છે. ભારતીય સૈન્ય તેમજ ભારતીય સરહદ સુરક્ષા દળ સહિત સુરક્ષા દળોની રાષ્ટ્ર પ્રત્યેની ઉચ્ચ ભાવનાને વધુ એક વખત સાકાર કરતા અને મુશ્કેલ પરિસ્થિતિમાં રેસ્ક્યુ ઓપરેશન કરીને આ યુવાન નાવિકનો જીવ બચાવી લીધો છે.

દરિયામાં ઉછળતા મોજાં અને પ્રતિકૂળ હવામાન છતાં પોરબંદર કિનારે મર્ચન્ટ વેસલ (વેપારી જહાજ) MT મુરલીકિસાન પરથી ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા હાથ ધરવામાં આવેલા જટિલ તબીબી સ્થળાંતર (MEDEVAC) બાદ 26 જુલાઈ 2026ના રોજ 21 વર્ષીય નાવિકને સફળતાપૂર્વક બહાર કાઢવામાં આવ્યો હતો.

ક્રૂ સભ્યને છાતીમાં તીવ્ર દુખાવા અને સખત તાવ અંગે 25 જુલાઈની રાત્રે MRCC મુંબઈ દ્વારા એલર્ટ કરવામાં આવતા, CGDHQ-1 પોરબંદરે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી. ખુલ્લા દરિયામાં સ્થળાંતર શક્ય ન હોવાથી, જહાજને અંદરના એન્કરેજ (બ્રેકવોટરથી 2.1 નોટિકલ માઈલ દૂર) તરફ માર્ગદર્શિત કરવામાં આવ્યું હતું. જ્યારે જહાજને જેટી પર લાવવાનું અશક્ય બન્યું, ત્યારે એક એડવાન્સ લાઈટ હેલિકોપ્ટરને રવાના કરવામાં આવ્યું અને તેણે દર્દીને એરલિફ્ટ કરીને કોસ્ટ ગાર્ડ એર એન્ક્લેવ, પોરબંદર ખાતે સુરક્ષિત પહોંચાડ્યો હતો.

આઈસીજી (ICG) ના મેડિકલ ઓફિસર દ્વારા પ્રાથમિક તબીબી સારવાર આપીને સ્થિતિ સામાન્ય કર્યા બાદ, તેને વિશેષ સારવાર માટે આશા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં હવે તેની સ્થિતિ સ્થિર હોવાનું જાણવા મળ્યું છે.

આ ઝડપી અને સુસંકલિત કામગીરી કોસ્ટ ગાર્ડના ધ્યેય વાક્ય “વયં રક્ષામ:” (અમે રક્ષણ કરીએ છીએ) નું વધુ એક ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડે છે.

સંબંધિત લેખો

Most Popular