ગાંધીનગર, 8 ઓક્ટોબર, 2026 : Indefinite strike of revenue employees રાજ્યમાં મહેસુલી કર્મચારીઓ પોતાના પડતર પ્રશ્નોનો ઉકેલ ન આવતા અચોક્કસ મુદતની હડતાળ પર ઉતર્યા છે. મહેસુલી કર્મચારીઓએ ગાંધીનગર, અમદાવાદ, સુરત, રાજકોટ સહિત શહેરોમાં પ્રદર્શન અને ધરણા યોજ્યા હતા. અગાઉ મહેસુલી કર્મચારીઓએ માસ સીએલ પર રહીને પોતાના વણઉકલ્યા પ્રશ્નોના નિરાકરણ માટે સરકાર સામે મોરચો માંડ્યો હતો. ત્યારબાદ તા. 7મી ઓક્ટોબરથી સમગ્ર રાજ્યના રેવન્યુ કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાળ પર ઉતરી ગયા છે. આ હડતાળના કારણે સરકારી કચેરીઓમાં આવક, જાતિના દાખલા, વિધવા સહાય જેવી જનહિતની કામગીરીઓ ઠપ થઈ ગઈ છે.
રાજ્યભરના મહેસુલી કર્મચારીઓ તા. 7મીને સોમવારથી અચોક્કસ મુદતની હડતાળ પર ઉતર્યા છે. મહેસુલી કર્મચારીઓની હડતાળને લીધે સામાન્ય નાગરિકો માટે મુશ્કેલીઓ ઊભી થઈ છે. વિદ્યાર્થીઓના આવકના દાખલા, જાતિના પ્રમાણપત્રો તેમજ જમીન-મહેસૂલને લગતી કામગીરી સંપૂર્ણપણે અટકી પડી છે, જેના કારણે કચેરીઓએ આવતા અરજદારોને ધક્કા ખાવાનો વારો આવ્યો છે. સુરતમાં PG એડમિશનના છેલ્લા દિવસે વિદ્યાર્થીઓ અટવાયા હતા તો રાજકોટ, વડોદરા અને ગાંધીનગર સહિતના શહેરોમાં અરજદારો ભારે પરેશાન જોવા મળી રહ્યા છે.
રાજકોટ મહેસૂલી કર્મચારી મહામંડળના મહામંત્રી મનીષ ગિધવાણીએ જણાવ્યું હતું કે, જિલ્લાની તમામ મામલતદાર કચેરી, પ્રાંત કચેરી તથા કલેક્ટર કચેરીના તમામ વર્ગ-3ના કર્મચારીઓ, ક્લાર્ક, નાયબ મામલતદાર અને મહેસૂલી તલાટીઓ સહિત 450 કર્મચારીઓ હડતાળમાં જોડાયા છે. મહેસુલી કર્મચારીઓ હંમેશા જાહેર રજાઓ અને ઓફિસ સમય પછી પણ પ્રજાના કામ કરે છે. લોકોને કોઈપણ મુશ્કેલી પડે નહીં તેનો સતત ખ્યાલ રાખવામાં આવે છે. પરંતુ મહેસુલી કર્મચારીઓની વ્યાજબી માંગણીઓ ન સંતોષાતા નાછૂટકે હડતાળનો રસ્તો પસંદ કરવો પડ્યો છે, જ્યા સુધી સરકારી સ્તરેથી માંગણીનો સકારાત્મક ઉકેલ નહીં આવે ત્યાં સુધી આ હડતાળ ચાલુ રહેશે.
સુરતના નાયબ મામલતદાર, ક્લાર્ક તેમજ તલાટી સહિત 500 જેટલા કર્મચારીઓ પેન ડાઉન કરી કામગીરીથી અળગા રહ્યા છે. આ બહિષ્કારને પગલે સુરત કલેક્ટર કચેરી, પ્રાંત કચેરી અને તાલુકા મામલતદાર કચેરીઓમાં સામાન્ય પ્રજાના કામો ખોરવાઈ ગયા છે. આ ઉપરાંત ઈ-ધરા કેન્દ્રો, વારસાઈ નોંધ, જમીનના દસ્તાવેજો અને સિટી સરવે વિભાગની સેવાઓ અટકી જતાં સામાન્ય નાગરિકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે.


