ગુજરાતઃ હવે સાયબર ફ્રોડના પીડિતો ઘર બેઠા-બેઠા નોંધાવી શકશે e-Zero FIR
અમદાવાદ, 27 જુલાઈ 2026: ગાંધીનગર ખાતેથી નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે આ નવીનતમ ‘e-Zero FIR’ સેવાનું વિધિવત લોન્ચિંગ કરવામાં આવ્યું છે. આ નવી વ્યવસ્થા અનુસાર, જ્યારે પણ કોઈ નાગરિક સાયબર છેતરપિંડીનો ભોગ બને અને 1930 હેલ્પલાઇન પર ફરિયાદ નોંધાવે, ત્યારે સંબંધિત કેસની ‘e-Zero FIR’ આપોઆપ જ તૈયાર થઈ જશે. આ સિસ્ટમ દ્વારા ફાસ્ટ ટ્રેક પર કામગીરી કરીને આ ઓટો જનરેટેડ FIR સંબંધિત પોલીસ સ્ટેશનને મોકલી આપવામાં આવશે, જેથી પોલીસ વિભાગ દ્વારા તાત્કાલિક ધોરણે કાયદાકીય કાર્યવાહી શરૂ કરી શકાય.
- પ્રથમ ‘e-Zero FIRથી બચી ગઈ 15.76 લાખથી વધુની રકમ
આ નવી વ્યવસ્થાના પ્રારંભની સાથે જ તેનું સકારાત્મક પરિણામ પણ સામે આવ્યું છે. અમદાવાદના એક રહેવાસી ‘ડિજિટલ અરેસ્ટ’ના નામે સાયબર ઠગાઈનો ભોગ બન્યા હતા. તેમણે આ નવી સિસ્ટમ હેઠળ રાજ્યની પ્રથમ e-FIR નોંધાવી હતી. સાયબર ક્રાઇમ વિભાગે ત્વરિત પગલાં લઈને સમયસર કરેલી કાર્યવાહીના પરિણામે ફરિયાદીની રૂ. 15.76 લાખથી વધુની રકમ સફળતાપૂર્વક બચાવી લેવામાં આવી છે.
- ટેકનોલોજીના માધ્યમથી પારદર્શક અને ઝડપી પોલીસ સેવા
લોન્ચિંગ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર ટેકનોલોજીના મહત્તમ ઉપયોગ દ્વારા નાગરિકોને ઝડપી અને પારદર્શક પોલીસ સેવાઓ પૂરી પાડવા માટે કટિબદ્ધ છે. આ વ્યવસ્થાથી પીડિતોને રાહત મળશે અને છેતરાયેલી રકમને રિકવર કરવાની શક્યતાઓ અનેકગણી વધી જશે. આ પ્રસંગે રાજ્યના પોલીસ વડા જ્ઞાનેન્દ્રસિંહ મલિકે તમામ ફિલ્ડ યુનિટોને આ પ્રક્રિયામાં સંવેદનશીલતા દાખવી અરજદારોને ઝડપી ન્યાય સુનિશ્ચિત કરવા સૂચના આપી છે.
-
કેન્દ્ર સરકારના I4C સાથે સંકલન
સાયબર સેન્ટર ઓફ એક્સિલેન્સના આઈજીપી બિપિન આહીરેએ વિગતો આપતા જણાવ્યું કે, કેન્દ્રીય ગૃહ મંત્રાલયના ઇન્ડિયન સાયબર ક્રાઈમ કોઓર્ડિનેશન સેન્ટર (I4C) સાથે યોગ્ય સંકલન સાધીને આ પ્રક્રિયા અમલમાં મૂકવામાં આવી છે. 1930 પર મળતી ફરિયાદોના આધારે સિસ્ટમ આપોઆપ Zero FIR જનરેટ કરશે, ત્યારબાદ પોલીસ અધિકારીઓ ફરિયાદીનો સંપર્ક કરી જરૂરી વિગતો મેળવીને નિયમ મુજબ આગળની તપાસ ત્વરિત ગતિએ શરૂ કરશે.
આ મહત્વપૂર્ણ લોન્ચિંગ કાર્યક્રમમાં ગૃહ વિભાગના અગ્ર સચિવ સંજીવ કુમાર, રાજ્યના પોલીસ વડા જી. એસ. મલિક, સાયબર ક્રાઇમ સેલના વરિષ્ઠ અધિકારીઓ તેમજ I4Cના CEO રાજેશ કુમાર સહિત રાજ્યભરના ઉચ્ચ પોલીસ અધિકારીઓ GSWAN ટેકનોલોજીના માધ્યમથી વર્ચ્યુઅલ અને પ્રત્યક્ષ રીતે જોડાયા હતા.


