Site icon Revoi.in

વઢવાણના વસ્તડી નજીક ભાદર નદીનો ડાયવર્ઝન ધોવાઈ જતા 20 ગામના લોકોને મુશ્કેલી

Social Share

વઢવાણઃ સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના વસ્તડી ગામ નજીક ભાદર નદી પરનો બ્રિજ બે વર્ષ પહેલા જ ધરાશાયી થયો હતો. નવો બ્રિજ બનાવવાની માગણી છતાંયે એનો નિર્ણય લેવામાં આવ્યો નથી. હાલ નદીમાં ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. પણ તાજેતરમાં બારે વરસાદને લીધે નદીમાં પૂર આવતા ડાયવર્ઝન ધોવાઈ ગયું છે. તેથી 20 જેટલા ગામડાંના લોકોને જીવના જોખમે નદીમાંથી રસ્તો પસાર કરવો પડે છે.

વઢવાણ તાલુકાના વસ્તડી ગામનો મુખ્ય પુલ છેલ્લા બે વર્ષથી ધરાશાયી થયેલો છે. તંત્રએ નવો પુલ બનાવ્યો નથી. માત્ર ભોગાવો નદીમાં કાચો ડાયવર્ઝન રસ્તો બનાવ્યો છે. આ રસ્તા પરથી વસ્તડી સહિત 20થી વધુ ગામના લોકો પસાર થાય છે. દર ચોમાસામાં આ રસ્તો ધોવાઈ જાય છે. આના કારણે લોકોને 10થી 15 કિલોમીટર વધારે અંતર કાપવું પડે છે. વઢવાણ અને ચુડા તાલુકામાં તાજેતરમાં પડેલા ભારે વરસાદથી પરિસ્થિતિ વધુ વણસી છે. સ્થાનિક રહેવાસીઓ, વાહનચાલકો અને વિદ્યાર્થીઓ જીવના જોખમે નદીમાં રસ્તા પરથી પસાર થઈ રહ્યા છે. જાનહાનિનો ભય પણ સતાવી રહ્યો છે.

વસ્તડી ગામ નજીક ભાદર નદી પર બ્રિજ 1965માં બન્યો હતો. 24 સપ્ટેમ્બર 2023ના રોજ એક ડમ્પર પસાર થતી વખતે બ્રિજનો ભાગ તૂટી પડ્યો હતો. ત્યારથી આજ સુધી નવો પુલ બન્યો નથી. ગ્રામજનોએ ઊંચો અને પાકો કોઝવે બનાવવાની માગણી કરી છે. જો તંત્ર દ્વારા યોગ્ય પગલાં નહીં લેવાય તો ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી પણ આપી છે.

પુલ ધરાશાયી થયા બાદ ભોગવો નદીમાં ડાયર્વઝન અપાયુ છે. આ ડાયર્વઝન પાણીમાં ગરકાવ થયું છે. ત્યારે રવિવાર રાત્રે આ ડાયર્વઝન પર એક બોલેરો પસાર થતી હતી. પરંતુ અચાનક પાણીના વહેણમાં ફસાઈ ગઈ હતી. આ બનાવની જાણ થતા ગ્રામજનો દોડી ગયા હતા. જેમાં બોરેલોમાં બેઠલા ત્રણ લોકોને બહાર કાઢી લીધા હતા. જયારે પાણીમાં બોલેરોને બહાર કાઢવાના પ્રયાસો શરૂ કર્યા હતા.