Site icon Revoi.in

વૈશ્નોદેવી-ઝૂંડાલ હાઈવે પરનો કટ બંધ કરાતા લોકોએ કર્યો વિરોધ

Social Share

અમદાવાદ, 8 જાન્યુઆરી 2026: શહેરના વૈશ્નોદેવી-ઝૂંડાલના એસપી રિંગ રોડ હાઈવે પર હોટલ હિલ્લોક નજીકનો ડિવાઈડર પરનો કટ બંધ કરી દેવાતા ન્યુ ત્રાગડ, ચાંદખેડા સહિતના વિસ્તારોના વાહનચાલકોને હાલાકી પડી રહી છે. આથી આ વિસ્તારના વાહનચાલકો સહિત લોકોએ ભારે વિરોધ કરીને સિગ્નેચર કેમ્પેઇન શરૂ કર્યું છે, કહેવાય છે કે, ભાજપના સાંસદ નરહરિ અમીનની રજૂઆત બાદ ઔડા અને પોલીસ તંત્ર દ્વારા આ કટને બ્લોક કરવામાં આવ્યો હતો, જેના વિરોધમાં આજે ન્યુ ત્રાગડ અને ચાંદખેડા વિસ્તારના રહીશોએ રસ્તા પર ઉતરીને સિગ્નેચર કેમ્પેઇન શરૂ કર્યું હતુ.

અમદાવાદના એસપી રિંગ રોડ પર ઝુંડાલથી વૈષ્ણોદેવી તરફ જવાના રોડ ઉપર હોટેલ હિલ્લોક નજીકનો ડિવાઈડર કટ ઔડા-પોલીસ દ્વારા બંધ કરી દેવામાં આવ્યો છે. જેના કારણે થઈ ન્યુ ત્રાગડ, ચાંદખેડા સહિતના વિસ્તારોમાં વાહનચાલકોને હાલાકી પડી રહી છે. ત્યારે આજે ડિવાઈડર કટને ખોલવા માટે સ્થાનિક નાગરિકો દ્વારા સિગ્નેચર કેમ્પેઇન કરવામાં આવ્યું છે. લોકોને ત્રણથી ચાર કિલોમીટર ફરીને જવું પડતું હોવાના કારણે હાલાકી પડી રહી છે, આ ડિવાઈડર કટ બંધ થવાથી વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.  ખાસ કરીને ન્યુ ત્રાગડના રહીશોને વૈષ્ણોદેવીથી ઝુંડાલ તરફ જવા માટે આ કટ ખૂબ જ અનુકૂળ રહેતો હતો. વિરોધ કરી રહેલી મહિલાઓએ સીધો સવાલ ઉઠાવ્યો છે કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આ મામલે કેમ રસ નથી લેતા. સ્થાનિકોનું કહેવું છે કે ટ્રાફિકની સમસ્યાના બહાને કટ બંધ કરવાને બદલે ત્યાં ટ્રાફિક સિગ્નલ મૂકવાની જરૂર છે.

રહીશોએ આ બાબતે કેન્દ્રીય ગૃહમંત્રી અને સ્થાનિક કોર્પોરેટરોને પણ લેખિતમાં રજૂઆતો કરી છે. જોકે, તંત્ર દ્વારા તપાસ કરવાની ખાતરી આપવામાં આવી હોવા છતાં હજુ સુધી કોઈ નક્કર કાર્યવાહી થઈ નથી. પરિણામે, ટ્રાફિકની ગંભીર સમસ્યાથી કંટાળેલા નાગરિકોએ હવે આંદોલનનો માર્ગ અપનાવ્યો છે.  વહેલી તકે આ ડિવાઈડર કટ ફરીથી ખોલવામાં આવે તેવી માગ કરવામાં આવી છે.

Exit mobile version