Site icon Revoi.in

2026ના નૂતન વર્ષના પ્રથમ દિને તમામ મંદિરોમાં દર્શન માટે લોકો ઉમટી પડ્યાં

Social Share

અમદાવાદ, 1 જાન્યુઆરી 2026: People thronged all the temples for darshan on the first day of the New Year 2026. ગુજરાતભરમાં આજે વર્ષ 2026ના નૂતન વર્ષના પ્રથમ દિવસે સુપ્રસિદ્ધ સોમનાથ મંદિર, દ્વારકાધિશ મંદિર, અંબાજી મંદિર, પાવાગઢ અને ચોટિલામાં ચાંમુડા મંદિર, સાળંગપુરમાં કષ્ટભંજન મંદિર સહિત તમામ મંદિરોમાં દર્શન માટે શ્રદ્ધાળુઓની ભારે ભીડ જોવા મળી હતી. ભાવિકોએ દર્શન કરીને આશિર્વાદ મેળવ્યા હતા. પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથથી લઈને શક્તિપીઠ અંબાજી સુધી ‘હર હર મહાદેવ’ અને ‘જય માતાજી’ના નાદ ગુંજી રહ્યા છે.

નૂતન વર્ષ 2026ના આજે પ્રથમ દિવસે ભગવાન અને માતાજીના આશીર્વાદ લેવા માટે રાજ્યભરના તમામ મંદિરોમાં ભાવિકોની વહેલી સવારથી લાઈનો લાગી હતી.પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં નવા વર્ષની ઉજવણી કરવા માટે માનવ મહેરામણ ઉમટી પડ્યો છે. સમુદ્ર કિનારે વસેલું સોમનાથ મંદિર નવા વર્ષે ભક્તિમય બની ગયું છે અને વહેલી સવારની આરતીમાં હજારો ભક્તોએ હાજરી આપી સુખ-શાંતિની પ્રાર્થના કરી હતી. જ્યારે શક્તિપીઠ એવા સુપ્રસિદ્ધ અંબાજી મંદિરમાં પણ આજે વહેલી સવારથી ભાવિકો માતાજીના દર્શન માટે ઉમટી પડ્યાં હતા. મંદિર ટ્રસ્ટ દ્વારા ભાવિકો માટે ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. મંદિરને નયનરમ્ય રોશનીથી શણગારવામાં આવ્યું છે અને સમગ્ર ચાચર ચોક ગરબા અને ભક્તિના રંગે રંગાયો છે. જ્યારે પંચમહાલનું પાવાગઢ પર્વત ‘જય મહાકાળી’ના જયઘોષથી ગાજી ઉઠ્યું છે. નવા વર્ષે મા મહાકાળીના આશીર્વાદ લેવા વહેલી સવારથી લાંબી કતારો લાગી હતી..

જગતમંદિર દ્વારકામાં પણ ભગવાન દ્વારકાધીશના દર્શન માટે શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા છે. ગોમતી ઘાટ પર સ્નાન કરી ભક્તો કાળિયા ઠાકોરના શરણમાં પહોંચ્યા હતા. દ્વારકાની તમામ હોટલો અને ધર્મશાળાઓ હાઉસફુલ થઈ ગઈ છે, જે દર્શાવે છે કે લોકોએ મોજ-મજાના બદલે આધ્યાત્મિકતા સાથે વર્ષનો પ્રારંભ કરવાનું વધુ પસંદ કર્યું છે. સુપ્રસિદ્ધ એવા સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજી મંદિરમાં પણ વહેલી સવારથી દર્શનાર્થીઓની ભીડ જામી હતી.

 મંદિરોમાં ભાવિકોના ધસારાને પહોંચી વળવા માટે ગુજરાત પોલીસ અને મંદિર ટ્રસ્ટો દ્વારા ખાસ એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. ટ્રાફિક જામની સમસ્યા ન સર્જાય તે માટે ડાયવર્ઝન આપવામાં આવ્યા છે અને વૃદ્ધો તથા બાળકો માટે ખાસ સુવિધાઓ ઉભી કરવામાં આવી છે. (File photo)

Exit mobile version