Site icon Revoi.in

સાતમ-આઠમના મીની વેકેશનને લીધે પ્રવાસન સ્થળોએ લોકો ઉમટી પડશે

Social Share

અમદાવાદઃ ગુજરાતના લોકો હરવા-ફરવાના શોખિન ગણાય છે, ત્યારે સાતમ-આઠમની રજાઓમાં મોટાભાગના પરિવારોએ ફરવા જવા માટે પ્લાન કરી દીધો છે, જન્માષ્ટમીના પર્વનું સૌથી વધુ મહાત્મય સૌરાષ્ટ્રમાં હોય છે. ગામેગામ લોક મેળાઓ યોજાતા હોય છે. કેટલાક પરિવારો, દૂબઈ, સહિત વિદેશી પ્રવાસે ઉપડી ગયા છે. જ્યારે ગણા પરિવારોએ ઉદેપુર, માઉન્ટ આબુ, સાપુતારા તેમજ સોમનાથ અને દ્વારકાના પ્રવાસનું આયોજન કર્યું છે. હાલ મોટાભાગની ટ્રેનોમાં નો વેકન્સી જેવી સ્થિતિ છે. અમદાવાદથી સોમનાથ જવા માટેની ટ્રેનનું વેઇટિંગ 150 જેટલું થઈ ગયું છે, જ્યારે દ્વારકા માટે એસટીની 16માંથી 13 બસ પેક થઈ ગઈ છે. બીજી બાજું અમદાવાદથી ગોવા અને જયપુર જવા માટેના એરફેર 18 હજાર સુધી પહોંચી ગયા છે. આ સિવાય પ્રાઇવેટ કેબમાં પણ સામાન્ય દિવસો કરતાં ભાડામાં વધારો કરી દેવાયો છે.

ગુજરાતમાં ત્રણ દિવસ જાહેર રજાનો સંયોગ સર્જાયો છે. આગામી 15 ઓગસ્ટ સ્વાતંત્ર્ય દિવસ, 16 ઓગસ્ટ જન્માષ્ટમી અને ત્યારબાદ રવિવાર એમ 3 દિવસ રજાને પગલે બહાર ફરવા જવા માટેનો ધસારો વધ્યો છે. એસટી નિગમ દ્વારા એકસ્ટ્રા બસો દોડાવવાની જાહેરાત કરવામાં આવી છે. ઉદેપુર, માઉન્ટ આબુ, સાપુતારા સહિત પ્રવાસન સ્થળોની હોટલોમાં પણ મોટાભાગની હોટલો બુક થઈ ગઈ છે. ખાનગી ટ્રાવેલ્સના ભાડામાં પણ વધારો કરાયો છે. ખાસ કરીને સોમનાથ, દ્વારકા જવા માટે સૌથી વધુ ધસારો છે. અમદાવાદથી દ્વારકા માટેની એસટી બસ પેક થઈ ગઈ છે. એસટી બસોમાં ટિકિટ નહીં મળતાં આ તકનો લાભ લઈને ખાનગી બસોએ પણ ભાડામાં સામાન્ય દિવસો કરતાં વધારો કરી દીધો છે. અમદાવાદથી દ્વારકા માટેનું ખાનગી બસનું ભાડું 1600 જેટલું થઈ ગયું છે. અમદાવાદથી સોમનાથ માટે પણ આવી જ સ્થિતિ છે. 14 ઓગસ્ટે અમદાવાદથી સોમનાથ જતી 14માંથી 12 બસ પેક થઈ ગઈ છે.

પ્રવાસીઓના ધસારાને પગલે દ્વારકા સોમનાથ જવા માટે વધારાની બસ દોડાવવી પડે તેવી સ્થિતિ છે. ટ્રેનોમાં પણ અમદાવાદથી સોમનાથ જવા માટે વેરાવળ સુધી જવા માટેની ટ્રેનમાં વેઇટિંગ 150 જેટલું છે. આ સિવાય દ્વારકા માટે 64, જૂનાગઢ માટે 63નું વેઇટિંગ છે. ઉજ્જૈન અને ગોવા જવા માટે ‘રિગ્રેટ’ એટલે કે ટિકિટ મળી શકવા માટે અસમર્થતા જ દર્શાવી દેવામાં આવી છે. અમદાવાદથી આબુ રોડ જતી ટ્રેનનું વેઇટિંગ 36 છે.

આ ઉપરાંત અમદાવાદથી ગોવા અને જયપુરની ફ્લાઈટમાં સૌથી વધુ ધસારો છે. આ સિવાય મુંબઈનું એરફેર વધીને રૂપિયા 11 હજાર થઈ ગયું છે. મુંબઈથી અનેક લોકો લોનાવલા, ખંડાલા જવાનું આયોજન કરી રહ્યા છે. અનેક સાપુતારા, ડાંગ, માઉન્ટ આબુ, ઉદયપુર, શ્રીનાથજી બાય રોડ પણ જવાના છે. પ્રવાસીઓના ધસારાને લીધે માઉન્ટ આબુ, ઉદયપુર, સાપુતારામાં સામાન્ય દિવસો કરતાં બમણું ભાડું ચૂકવવા છતાં પણ રૂમ મળે નહીં તેવી સ્થિતિ છે.