
અમદાવાદઃ રાજ્યમાં આવતીકાલે રવિવારે જુનિયર ક્લાર્કની પરીક્ષા યોજાશે. નવ લાખથી વધારે ઉમેદવારો આવતીકાલે પરીક્ષા આપશે. દરમિયાન તલાટી કમ મંત્રીની પરીક્ષા તા. 30ના રોજ યોજવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ અંગેની તૈયારીઓ શરૂ કરીને ઉચ્ચ અધિકારીઓને જરુરી સુચના આપવામાં આવી હોવાનું જાણવા મળે છે. આવતીકાલે રવિવારે યોજાનારી જુનિયર ક્લાર્કની પરીક્ષાનું આગામી જૂન મહિનામાં પરિણામ જાહેર કરવામાં આવે જેવી શકયતા છે.
પંચાયત સેવા પસંદગી મંડળના ઈન્ચાર્જ હસમુખ પટેલને તલાટી કમ મંત્રીની ભરતીની પરીક્ષાને લઈને જણાવ્યું હતું કે, એપ્રિલ મહિનામાં જ પરીક્ષા યોજવાનું આયોજન છે. આ માટે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. તલાટી કમ મંત્રીની પરીક્ષા આગામી 30 એપ્રિલે યોજવાનું આયોજન છે. પરીક્ષા કેન્દ્રો બાબતે જિલ્લા કલેક્ટરોને જવાબદારી સોંપવામાં આવી છે. પરીક્ષા કેન્દ્રો ઉપલબ્ધ ન થાય તો કેન્દ્રો ફરજિયાત મેળવવા ઓર્ડર કરાશે. મુખ્ય સચિવે આપેલી સૂચનાના પગલે નવા કેન્દ્રો મેળવવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. 30 એપ્રિલે પરીક્ષા યોજવા માટે 10 એપ્રિલ સુધી કેન્દ્રો મેળવવા જરૂરી છે. જો 10 એપ્રિલ સુધીમાં પરીક્ષા કેન્દ્રો નહીં મળે તો પરીક્ષા લઈ શકાશે નહીં.
અત્રે ઉલ્લેખનીય છે કે, સરકારી ભરતીમાં પેપર લીક અંગે સરકારે આકરો કાયદો બનાવ્યો છે. દરમિયાન આવતીકાલે રવિવારે જુનિયર ક્લાર્કની પરીક્ષા યોજાશે. જે અંગે વહીવટી તંત્ર દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. 9.58 લાખ જેટલા ઉમેદવારો આવતીકાલે રવિવારે પરીક્ષા આપશે. ઉમેદવારોના પરિવહનને લઈને વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. હવે તા. 30મી એપ્રિલના રોજ તલાટી કમ મંત્રીની પરીક્ષાને લઈને તૈયારીઓ શરૂ કરી દીધી છે.
(PHOTO-FILE)