Homeગુજરાતીદેશ-વિદેશપીએમ મોદીએ નેપાળ માટે 24 હજાર કરોડના વિકાસ પેકેજની જાહેરાત કરી

પીએમ મોદીએ નેપાળ માટે 24 હજાર કરોડના વિકાસ પેકેજની જાહેરાત કરી

નવી દિલ્હી, 23 નવેમ્બર 2026: નેપાળના વડાપ્રધાન બાલેન્દ્ર (બાલેન) શાહ ભારતની બે દિવસીય મુલાકાતે આવ્યા છે. સોમવારે નવી દિલ્હી ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને બાલેન્દ્ર શાહ વચ્ચે દ્વિપક્ષીય મંત્રણા યોજાઈ હતી, જે બાદ બંને નેતાઓએ સંયુક્ત પત્રકાર પરિષદને સંબોધી હતી. આ દરમિયાન પીએમ મોદીએ નેપાળના પુનઃનિર્માણ અને લાંબા ગાળાના વિકાસ માટે 24 હજાર કરોડ નેપાળી રૂપિયાના ‘ડેવલપમેન્ટ કોઓપરેશન પેકેજ’ની મહત્વપૂર્ણ જાહેરાત કરી હતી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે ભારત અને નેપાળનો સંબંધ માત્ર પાડોશી દેશોનો નથી, પરંતુ તે પોતાનાપણા અને અતૂટ વિશ્વાસનો સંબંધ છે. આપણી ખુશીઓ અને પડકારો સહિયારા છે અને આપણે પ્રગતિની સાથે-સાથે મુશ્કેલ સમયમાં પણ એકબીજાનો સહારો છીએ. ઑગસ્ટ મહિનામાં નેપાળમાં આવેલા ભીષણ પૂરને કારણે થયેલી જાનહાનિ પર ઊંડી સંવેદના વ્યક્ત કરતા તેમણે કહ્યું કે ભારત એક સશક્ત અને સમૃદ્ધ નેપાળની વિકાસ યાત્રામાં હંમેશા ભાગીદાર રહ્યું છે.

બંને દેશોના સાંસ્કૃતિક જોડાણનો ઉલ્લેખ કરતા પીએમ મોદીએ કહ્યું કે ભારત અને નેપાળના સંબંધો સહિયારા ઈતિહાસ, આસ્થા, સંસ્કૃતિ અને લોકોના પરસ્પર જોડાણના તાંતણે બંધાયેલા છે. ભગવાન રામ અને માતા સીતા બંને દેશોની સહિયારી સભ્યતા અને આસ્થાના પ્રતીક છે. વર્ષ 2018ની પોતાની જનકપુર યાત્રાને યાદ કરતા તેમણે કહ્યું કે નેપાળ વિના આપણા ધામ અધૂરા છે અને આપણા રામ પણ અધૂરા છે. આ પવિત્ર સંબંધને નવો આયામ આપતા આજે અયોધ્યા અને જનકપુર વચ્ચે ‘સરયૂ-કમલા એક્સપ્રેસ’ ટ્રેન સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે.

  • ભારત આવેલા બાલેન્દ્ર શાહનું સ્વાગત

નેપાળના વડાપ્રધાનની પ્રશંસા કરતા પીએમ મોદીએ કહ્યું કે વડાપ્રધાન બન્યા બાદ પોતાની પ્રથમ દ્વિપક્ષીય મુલાકાતે ભારત આવેલા બાલેન્દ્ર શાહનું સ્વાગત કરતા તેમને અત્યંત આનંદ થઈ રહ્યો છે. દુનિયાના સૌથી યુવા વડાપ્રધાન તરીકે જ્યારે તેમણે સંયુક્ત રાષ્ટ્રને સંબોધિત કર્યું હતું, ત્યારે તેમના દૂરંદેશી દ્રષ્ટિકોણની ઝલક જોવા મળી હતી. નેપાળની જનતાએ તેમને આપેલો ઐતિહાસિક જનાદેશ દેશની નવી પેઢીની આશાઓ અને આકાંક્ષાઓને દર્શાવે છે.

બીજી તરફ, નેપાળના વડાપ્રધાન બાલેન્દ્ર શાહે ભારતમાં મળેલા ઉષ્માભર્યા સ્વાગત બદલ પીએમ મોદીનો આભાર માન્યો હતો. તેમણે કહ્યું કે તેઓ ભગવાન પશુપતિનાથ અને માતા જાનકીના આશીર્વાદ સાથે અહીં આવ્યા છે. ભારત અને નેપાળના સંબંધો હિમાલય જેવા મજબૂત અને મહાસાગર જેવા વિશાળ છે, જેની નીવ પરસ્પર સન્માન, અતૂટ વિશ્વાસ અને સદ્ભાવના પર ટકેલી છે. કુદરતી આપત્તિઓ અને સંકટના સમયમાં ભારત તરફથી મળતી મદદ બદલ તેમણે ભારત સરકાર અને જનતાનો આભાર વ્યક્ત કર્યો હતો. આ સાથે જ તેમણે અયોધ્યા અને જનકપુર વચ્ચે શરૂ થયેલી રેલ કનેક્ટિવિટીને ઐતિહાસિક ગણાવી ભારતીય રોકાણકારોને નેપાળમાં રોકાણ કરવા આમંત્રણ આપ્યું હતું.

spot_img
spot_img
સંબંધિત લેખો
spot_img
spot_img

Most Popular

spot_img