Site icon Revoi.in

PM મોદી અમદાવાદ આવ્યા, દૂર્ઘટના સ્થળ અને સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી

Social Share

ગાંધીનગરઃ અમદાવાદમાં પ્લેનક્રેશની દૂર્ઘટનામાં 250થી વધારે વ્યક્તિના મોત થયાની આશંકા વ્યક્ત થઈ રહી છે. આ દૂર્ઘટનાને પગલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદ દોડી આવ્યાં હતા. તેમજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બનાવ સ્થળની મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેમને હર્ષ સંઘવી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતા.  વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અધિકારીઓ અને આગેવાનો પાસેથી ઘટનાની માહિતી મેળવી હતી. જે બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સિવિલ હોસ્પિટલમાં ઈજાગ્રસ્તોની મુલાકાત લઈને તેમના ખબરઅંતર પૂછ્યાં હતા. આ ઉપરાંત વડાપ્રધાન મોદીએ મૃતકો પ્રત્યે સાંત્વના પાઠવી હતી. આ ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઈજાગ્રસ્તોને યોગ્ય સારવાર મળી રહે તેવા નિર્દેશ કર્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સિવિલ હોસ્પિટલ અને દૂર્ઘટના સ્થળની મુલાકાતને પગલે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ફાળવવામાં આવ્યો હતો. વડાપ્રધાન આ દરમિયાન પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના પત્ની અંજલીબેન રૂપાણીની પણ મુલાકાત લેશે.

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ આ ફ્લાઈટમાં લંડન જઈ રહ્યાં હતા. વિજય રૂપાણીના પત્ની છેલ્લા કેટલાક સમયથી લંડનમાં દીકરીના ઘરે હતા. જેથી તેઓ પત્નીને લેવા માટે લંડન જવાના હતા. દરમિયાન આ દૂર્ઘટના સર્જાઈ હતી.  ફ્લાઈટમાં 230 મુસાફર સહિત 242 પ્રવાસીઓ હતા. જે પૈકી માત્ર એક મુસાફરનો બચાવ થયો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, અમદાવાદથી લંડન જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ AI 171ના દુર્ઘટનામાં માર્યા ગયેલા લોકોના પરિવારોને 1 કરોડ રૂપિયા આપવાની જાહેરાત કરવામાં આવી છે. ચંદ્રશેખરે જણાવ્યું  કે ટાટા ગ્રુપ આ અકસ્માતમાં ઘાયલ થયેલા તમામ લોકોના તબીબી ખર્ચ ભોગવશે.આ ઉપરાંત, ટાટા ગ્રુપ બીજે મેડિકલ હોસ્ટેલના નિર્માણમાં પણ સહાય પૂરી પાડશે.