Site icon Revoi.in

પુલ તુટવાની ઘટના અંગે પીએમ મોદીએ દુઃખ વ્યક્ત કર્યું, સહાયની કરી જાહેરાત

Social Share

નવી દિલ્હીઃ વડોદરામાં પુલ તૂટી પડવાથી 9 લોકોના મોત થયા અને 9 અન્ય ઘાયલ થયા છે, પીએમ મોદીએ આ ઘટના પર શોક વ્યક્ત કર્યો છે અને મૃતકોના પરિવારો અને ઘાયલો માટે વળતરની જાહેરાત કરી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ દુ:ખદ ઘટના પર ઊંડી સંવેદના વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે આ અકસ્માતમાં જીવ ગુમાવનારાઓનું મૃત્યુ અત્યંત દુઃખદ છે અને હું આ અકસ્માતમાં પોતાના પ્રિયજનો ગુમાવનારા તમામ પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરું છું.

પ્રધાનમંત્રીએ ઘાયલોના ઝડપથી સ્વસ્થ થવાની પણ કામના કરી. તેમણે કહ્યું કે સરકાર આ મુશ્કેલ સમયમાં અસરગ્રસ્ત લોકોની સાથે છે અને તેમને શક્ય તેટલી મદદ પૂરી પાડવામાં આવશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જાહેરાત કરી કે મૃતકોના પરિવારોને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ભંડોળ (PMNRF) માંથી 2 લાખ રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવશે. આ ઉપરાંત, આ અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોને 50,000 રૂપિયાની સહાય આપવામાં આવશે.

આ અકસ્માત બુધવારે સવારે 7થી 7:30 વાગ્યાની વચ્ચે થયો હતો. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, પુલ તૂટી પડવાથી ત્રણ ટ્રક, 2 ઇકો, એક રિક્ષા, એક પિકઅપ અને બે બાઇક નદીમાં ડૂબી ગયા હતા. આ ઘટનામાં 9 લોકો ઘાયલ થયા છે, જેમને પાદરા CHC અને વડોદરા SSG હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. 9 લોકોના મોત થયા છે, જેની પુષ્ટિ કલેક્ટર અનિલ ધામેલિયાએ કરી છે. આ ઘટના પછી, 20 થી વધુ ફાયર ફાઇટર, 1 NDRF ટીમ, 1 SDRF ટીમ, 2 ફાયર બોટ, 3 ફાયર એન્જિન, 10 થી વધુ એમ્બ્યુલન્સ અને 5 થી વધુ મેડિકલ ટીમો રાહત અને બચાવ કાર્યમાં રોકાયેલી છે.

આ ઉપરાંત, સ્થાનિક લોકો પણ તેમાં જોડાયા છે. જિલ્લા કલેક્ટર, જિલ્લા પોલીસ અધિક્ષક, ધારાસભ્ય ચૈતન્ય સિંહ ઝાલા અને પ્રાંત અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી રહ્યા છે અને રાહત અને બચાવ કામગીરી અંગે જરૂરી સૂચનાઓ અને માર્ગદર્શન આપી રહ્યા છે. અહીં બચાવ કામગીરી ચાલી રહી છે.

Exit mobile version