1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. PM મોદીએ દેશને આર્થિક રીતે વિકસિત બનાવવા સાથે સુરક્ષિત રાષ્ટ્રનું વિઝન પણ આપ્યું છેઃ CM
PM મોદીએ દેશને આર્થિક રીતે વિકસિત બનાવવા સાથે  સુરક્ષિત રાષ્ટ્રનું વિઝન પણ આપ્યું છેઃ CM

PM મોદીએ દેશને આર્થિક રીતે વિકસિત બનાવવા સાથે સુરક્ષિત રાષ્ટ્રનું વિઝન પણ આપ્યું છેઃ CM

0
Social Share

ગાંધીનગરઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્પષ્ટપણે જણાવ્યું છે કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દેશને આર્થિક રીતે વિકસિત રાષ્ટ્ર બનાવવા સાથે સુરક્ષિત રાષ્ટ્ર બનાવવાનું પણ વિઝન આપ્યું છે.

આ સંદર્ભમાં તેમણે કહ્યું કે આતંકવાદ, રાષ્ટ્રવિરોધી ગતિવિધિઓ, મહિલાઓ સામેના અત્યાચાર, સામુહિક અપરાધ વગેરે સામે વડાપ્રધાનના નેતૃત્વમાં અપનાવાયેલી ઝિરો ટોલરન્સની પોલિસીથી દેશ સુરક્ષિતતા મહેસુસ કરે છે.

મુખ્યમંત્રી ગાંધીનગર નજીકના લવાડમાં રાષ્ટ્રીય રક્ષાશક્તિ યુનિવર્સિટીના કેમ્પસના વિવિધ વિકાસકામોના ભૂમિપૂજન તથા યુનિવર્સિટીઝના નવા પ્રકલ્પોના પ્રારંભ અવસરે સંબોધન કરી રહ્યા હતા.

ભારતીય થલસેનાના સ્થાપના દિવસની શુભેચ્છાઓ પાઠવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, દેશની એકતા, અખંડિતતા અને સુરક્ષા-વ્યવસ્થાને વધુ મજબૂત કરવા અપરાધિક કાનૂન સંબંધિત ત્રણ બિલ તાજેતરમાં સંસદમાં પ્રસ્તુત થયા છે. આ ઐતિહાસિક કાનૂનથી દેશની સુરક્ષા વ્યવસ્થામાં પણ નવા આયામો જોડાયા છે એમ તેમણે ઉમેર્યું હતું.

મુખ્યમંત્રીએ રાષ્ટ્રીય રક્ષાશક્તિ યુનિવર્સિટીમાં રૂપિયા 481.32 કરોડના ખર્ચે હાથ ધરાનારા વિવિધ વિકાસકામોના ખાતમુહૂર્ત આ અવસરે મંત્રીશ્રી ઋષિકેશભાઈ પટેલ, યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર ડો. બિમલ પટેલ અને અન્ય અગ્રણીઓની ઉપસ્થિતિમાં કર્યા હતા. આ ઉપરાંત તેમણે રાષ્ટ્રીય રક્ષાશક્તિ યુનિવર્સિટીમાં અન્ય 4 નવા પ્રોજેક્ટની પણ શરૂઆત કરાવી હતી.

મુખ્યમંત્રીએ અટલ ઈન્ક્યુબેશન સેન્ટર રાષ્ટ્રીય રક્ષાશક્તિ યુનિવર્સિટી ખાતે કાર્યરત કરાવ્યું છે. યુવા સાહસિકો અને સંશોધકોને રાષ્ટ્રિય સુરક્ષા, સલામતિ અને પોલિસિંગના ક્ષેત્રોમાં ઈનોવેશન તથા ઈન્ક્યુબેશન પ્રોજેક્ટ માટે આ સેન્ટર ઉત્તમ માધ્યમ બની રહેશે.

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની સંકલ્પનાના આત્મનિર્ભર ભારત માટે સ્ટાર્ટઅપ, ઈનોવેટર્સને સપોર્ટ આપીને આ અટલ ઈનોવેશન સેન્ટર સ્ટાર્ટઅપ ઈકોસિસ્ટમ ઊભી કરવામાં પણ સહાયક બનશે.

નેશનલ સિક્યુરિટી ક્ષેત્રે યુવાઓમાં ઇનોવેશન અને પ્રોબ્લેમ સોલ્વિંગ સ્કીલ ડેવલપ કરવા માટે રક્ષા યુનિવર્સિટીમાં આ સેન્ટર કાર્યરત કરવામાં આવ્યું છે. પાટનગર ગાંધીનગરમાં આ પ્રકારનું પ્રથમ અટલ ઈન્ક્યુબેશન સેન્ટર કાર્યરત થયું છે.

આ સેન્ટર નેશનલ સિક્યુરિટી સહિત અન્ય મહત્વના સેક્ટરમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, રોબોટિક્સ અને સાયબર સિક્યુરિટી ટુલ્સનો ઉપયોગ કરીને ઇનોવેશન કરવા માટે યુવાનોને પ્લેટફોર્મ પૂરું પાડશે.

આર.આર. યુ. ના ઉપકુલપતિ  બિમલ પટેલે મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કરીને જણાવ્યું હતું કે, દેશભરમાં સુરક્ષા દળો, એજન્સીઓ અને સંસ્થાઓ રાષ્ટ્રીય સુરક્ષા વિષય પર સ્વદેશીકરણ અને ઇનોવેશન  કેન્દ્રિત સંશોધન અને વિકાસમાં રોકાયેલા છે તેમને રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીના પ્રકલ્પો શ્રેષ્ઠ સહયોગ પ્રદાન કરશે.

તેમણે જણાવ્યું હતું કે નેશનલ IED ડેટા મેનેજમેન્ટ સિસ્ટમ (NIDMS) ડેટા એકત્ર કરવાથી લઈને વિશ્લેષણ માટે એકીકૃત પ્લેટફોર્મ તરીકે સેવા પૂરી પાડશે. જે તમામ બોમ્બ ડેટા માટે કેન્દ્રિય સંગ્રહસ્થાન તરીકે કામ કરશે. જે તપાસકર્તાઓને ભૂતકાળના કેસોની માહિતી મેળવવા માટે સશક્ત બનાવશે.

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code