પીએમ મોદીએ વૈદિક મંત્રોચ્ચાર સાથે નવા સંસદ ભવનનું કર્યું ઉદ્ઘાટન,લોકસભામાં ‘પવિત્ર સેંગોલ’ સ્થાપિત કર્યું
દિલ્હી : દેશને નવું સંસદ ભવન મળ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે એટલે કે રવિવારે સંસદ ભવનનું ઉદ્ઘાટન કર્યું છે. ઉદ્દઘાટન સમારોહની શરૂઆત પૂજાથી થઈ હતી. આ પૂજામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પરંપરાગત ધોતી-કુર્તામાં જોવા મળ્યા હતા. પીએમે હળવા તાબિયા રંગનું ખેસ પણ પહેર્યું હતું. સામાન્ય રીતે પીએમ મોદી કુર્તા સાથે ચૂરીદાર પાયજામા પહેરેલા જોવા મળે છે.
પૂજામાં હાજરી આપવા માટે નવા સંસદ ભવન સંકુલમાં પહોંચ્યા ત્યારે પીએમ મોદી સફેદ કુર્તા અને સફેદ ધોતી પહેરેલા જોવા મળ્યા હતા. સાથે જ ગળામાં ખેસ પણ જોવા મળ્યો હતો. આ બીજી વખત છે જ્યારે પીએમ મોદી ધોતી-કુર્તામાં જોવા મળ્યા છે. આ પહેલા અયોધ્યામાં રામ મંદિરનો શિલાન્યાસ કરતી વખતે પીએમ મોદી સમાન પરંપરાગત પોશાકમાં જોવા મળ્યા હતા.
સંસદ ભવનનું ઉદ્ઘાટન પૂર્ણ વિધિ સાથે કરવામાં આવ્યું હતું. પૂજા કાર્યક્રમમાં સામેલ થયા બાદ પીએમ મોદીએ રાજદંડ સેંગોલને પ્રણામ કર્યા હતા. આ પછી સેંગોલ તેને સોંપવામાં આવ્યો. આ પછી પીએમ મોદીએ લોકસભામાં સ્પીકરની ખુરશીની બાજુમાં રાજદંડ સેંગોલ સ્થાપિત કર્યો. આ દરમિયાન પીએમ મોદીની સાથે લોકસભા સ્પીકર પણ હાજર રહ્યા હતા.
ઉદ્ઘાટન બાદ પીએમ મોદીએ સંસદ ભવનનાં નિર્માણમાં યોગદાન આપનારા કામદારોને પણ મળ્યા અને સન્માનિત કર્યા. ઉદ્ઘાટન સમયે સંસદભવનમાં સર્વધર્મ સમભાવ પથ પણ કરવામાં આવી રહ્યો છે. ઉદ્ઘાટન કાર્યક્રમમાં અમિત શાહ સહિત કેન્દ્ર સરકારના અનેક મંત્રીઓ પણ હાજર રહ્યા હતા.
ભારતીય બંધારણની મૂળ નકલ નવી સંસદમાં રાખવામાં આવી છે. સભ્યોની બેઠકો પર ટેબલેટ લગાવવામાં આવ્યા છે. લોકસભાની સાથે સાથે રાજ્યસભાની ક્ષમતા પણ વધારવામાં આવી છે. નવા સંસદમાં દરેક સભ્યને પોતાનું કાર્યાલય મળશે. આ સિવાય એક મીટિંગ હોલ પણ બનાવવામાં આવ્યો છે જેમાં પીએમ અથવા સ્પીકર મીટિંગ કરી શકે છે. અલગ અલગ કમિટીઓ માટે મીટીંગ રૂમ પણ બનાવવામાં આવ્યા છે.