
1971 ના ભારત-પાક યુદ્ધના 50 વર્ષ પૂર્ણ, પીએમ મોદી આજે ‘સ્વર્ણિમ વિજય મશાલ’ પ્રગટાવશે
- આજે ‘વિજય દિવસ’
- ભારત-પાકિસ્તાન યુદ્ધના 50 વર્ષ પૂર્ણ
- પીએમ મોદી ‘સ્વર્ણિમ વિજય મશાલ’ પ્રગટાવશે
- રાષ્ટ્રીય સમર સ્મારક પરથી કરશે પ્રજ્વલિત
- કાર્યક્રમમાં રક્ષામંત્રી સહીત ત્રણેય સેનાના ચીફ રહેશે હાજર
દિલ્લી: વિજય દિવસ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ‘સ્વર્ણિમ વિજય મશાલ’ પ્રગટાવશે. 1971 ના ભારત-પાકિસ્તાન યુદ્ધના 50 વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે બુધવારે રાજધાની દિલ્હી સ્થિત રાષ્ટ્રીય સમર સ્મારકની અમર જ્યોતિથી ‘સ્વર્ણિમ વિજય મશાલ’પ્રજ્વલિત કરશે.
પ્રાપ્ત માહિતી મુજબ, આ કાર્યક્રમમાં રક્ષામંત્રી રાજનાથ સિંહ પણ સામેલ થશે. ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અને ત્રણેય સેનાના ચીફ પણ પીએમ મોદી સાથે શહીદોને યાદ કરશે.
રક્ષા મંત્રાલય તરફથી જારી કરેલા એક નિવેદનમાં કહ્યું છે કે, રાષ્ટ્રીય સમર સ્મારક પર સતત પ્રજ્વલિત રહેતી જ્યોતિથી ચાર વિજય મશાલ પ્રગટાવવામાં આવશે. તથા તેને 1971ના યુદ્ધના પરમવીર ચક્ર અને મહાવીર ચક્ર વિજેતાઓના ગામો સહિત દેશના વિવિધ ભાગોમાં લઇ જવામાં આવશે.
રક્ષા મંત્રાલયના જણાવ્યા મુજબ,”આ વિજેતાઓના ગામોની સાથો-સાથ 1971 ના યુદ્ધ સ્થળોની માટીને નવી દિલ્હીના રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક પર લાવવામાં આવશે.” મંત્રાલયે પોતાના નિવેદનમાં કહ્યું છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાષ્ટ્રીય સ્મારક પર રાત – દિવસ ચાલતી રહેતી જ્યોતિથી વિજય મશાલ પ્રગટાવશે.
નોંધનીય છે કે, 16 ડિસેમ્બરને ભારતમાં વિજય દિવસ તરીકે ઉજવવામાં આવે છે. 1971 માં તે જ દિવસે ભારતે પાકિસ્તાન સામે જીત મેળવી હતી અને બાંગ્લાદેશ એક દેશ તરીકે અસ્તિત્વમાં આવ્યું હતું.
-દેવાંશી