
પીએમ મોદી 19 નવેમ્બરે ઉત્તર પ્રદેશના ઝાંસીની મુલાકાતે,એન્ટી ટેન્ક ગાઈડેડ મિસાઈલના પ્રથમ પ્રોજેક્ટનો કરશે શિલાન્યાસ
- પીએમ મોદી 19 નવેમ્બરે ઉત્તર પ્રદેશના ઝાંસીની લેશે મુલાકાત
- એન્ટી ટેન્ક ગાઈડેડ મિસાઈલના પ્રથમ પ્રોજેક્ટનો કરશે શિલાન્યાસ
દિલ્હી :આગામી વર્ષે યોજાનારી વિધાનસભાની ચૂંટણી પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એકવાર ઉત્તર પ્રદેશના પ્રવાસે છે અને આ વખતે તેઓ ઝાંસીની મુલાકાત લેશે.મુલાકાત દરમિયાન સાંજે લગભગ 5.15 કલાકે ‘રાષ્ટ્ર રક્ષા સમર્પણ પર્વ’ના પ્રસંગે સંરક્ષણ ક્ષેત્ર માટે બહુવિધ પહેલોનો પ્રારંભ કરાવશે અને કેટલીક પહેલો રાષ્ટ્રને સમર્પિત કરશે. ‘આઝાદીનો અમૃત મહોત્સવ’ની ઉજવણીના ભાગરૂપે 17-19 દરમિયાનમાં ઝાંસીમાં ‘રાષ્ટ્ર રક્ષા સમર્પણ પર્વ’ની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે.
સંરક્ષણ ક્ષેત્રમાં આત્મનિર્ભર ભારતને વધુ વેગવાન કરવા માટે વડાપ્રધાન સ્વદેશમાં ડિઝાઇન અને તૈયાર કરવામાં આવેલા વિવિધ ઉપકરણો સશસ્ત્ર દળ સેવાઓના વડાઓને વિધિવત રીતે સોંપશે.આ પૈકી હિન્દુસ્તાન એરોનોટિકસ લિમિટેડ દ્વારા ડિઝાઇન અને તૈયાર કરવામાં આવેલું લાઇટ કોમ્બેટ હેલિકોપ્ટર એર સ્ટાફના વડાને સોંપવામાં આવશે; ભારતીય સ્ટાર્ટઅપ દ્વારા ડિઝાઇન અને તૈયાર કરવામાં આવેલા ડ્રોન/UAV આર્મી સ્ટાફના વડાને સોંપવામાં આવશે અને નૌકાદળના જહાજો માટે DRDO દ્વારા ડિઝાઇન કરવામાં આવેલ તેમજ ભારત ઇલેક્ટ્રોનિકસ લિમિટેડ (BEL) દ્વારા વિનિર્માણ કરવામાં આવેલા અદ્યતન ઇલેક્ટ્રોનિક્સ યુદ્ધ સ્યૂટ નૌકાદળના વડાને સોંપવામાં આવશે. LCH અસરકારક કોમ્બેટ ભૂમિકાઓ નિભાવી શકે તે માટે તેમાં અદ્યતન ટેકનોલોજી અને સ્ટીલ્થ સુવિધા (દુશ્મનના રડારથી બચવાની સુવિધા) સામેલ છે. ભારતીય સશસ્ત્ર દળો દ્વારા ભારતીય UAV તૈયાર કરવામાં આવ્યું તે ભારતીય ડ્રોન ઉદ્યોગ ઇકોસિસ્ટમની પરિપકવતામાં થઇ રહેલી વૃદ્ધિનો પુરાવો છે. અદ્યતન EW સ્યૂટનો ઉપયોગ નૌકાદળના વિવિધ જહાજોમાં કરવામાં આવશે જેમાં વિધ્વંસક ફ્રિગેટ્સ (યુદ્ધ જહાજો) સામેલ છે.
આ દરમિયાન, વડાપ્રધાન ઉત્તરપ્રદેશ સંરક્ષણ ઔદ્યોગિક કોરિડોરના ઝાંસી ક્ષેત્રમાં રૂપિયા 400 કરોડની પરિયોજનાનો શિલાન્યાસ પણ કરશે. એન્ટી-ટેન્ક ગાઇડેડ મિસાઇલો માટે પ્રોપલ્શન સિસ્ટમ્સનું ઉત્પાદન કરવા માટે પ્લાન્ટ સ્થાપિત કરવાના ઉદ્દેશથી ભારત ડાયનેમિક્સ લિમિટેડ દ્વારા આ પરિયોજનાનો અમલ કરવામાં આવી રહ્યો છે.
વડાપ્રધાન NCC એલ્યુમની એસોસિએશનનો પણ પ્રારંભ કરશે. NCCના ભૂતપૂર્વ કેડેટ્સ ફરી એકબીજા સાથે જોડાઇ શકે તે માટે એક ઔપચારિક પ્લેટફોર્મ પ્રદાન કરવાના ઉદ્દેશ સાથે આ એસોસિએશનની શરૂઆત કરવામાં આવી રહી છે. આ ઉપરાંત, આ સંગઠન NCCના ઉદ્દેશોને વધુ આગળ ધપાવશે અને રાષ્ટ્ર નિર્માણમાં મદદરૂપ શથશે. વડાપ્રધાન NCCના ભૂતપૂર્વ કેડેટ હોવાથી આ સંગઠનના પ્રથમ સભ્ય તરીકે તેમની નોંધણી કરવામાં આવશે.
વડાપ્રધાન દ્વારા NCC કેડેટ્સ માટે રાષ્ટ્રીય સિમ્યુલેશન તાલીમ કાર્યક્રમનો પણ પ્રારંભ કરવામાં આવશે. NCCની ત્રણેય પાંખમાં સિમ્યુલેશન તાલીમની વ્યાપકતા વધારવાના ઉદ્દેશથી આ શરૂઆત કરવામાં આવી રહી છે. તેમાં NCCની આર્મી પાંખ માટે રાઇફલ ફાઇરિંગ, એરવિંગ માટે માઇક્રોલાઇટ ફ્લાઇંગ અને નૌકાદળ વિંગ માટે રોવિંગ સિમ્યુલેટર્સ ઉભા કરવાનું પણ સામેલ છે.
વડાપ્રધાન રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક ખાતે તૈયાર કરવામાં આવેલું રિયાલિટી પાવર્ડ ઇલેક્ટ્રોનિક કિઓસ્ક પણ રાષ્ટ્રને સમર્પિત કરશે જેની મદદથી મુલાકાતીઓ માત્ર એક બટન પર ક્લિક કરીને શહીદોને પુષ્પાંજલિ અર્પણ કરી શકશે.