PM મોદીનો પીપળીના ગ્રામજનો સાથે સીધો સંવાદ, મોદીએ કહ્યું સિદ્ધિ તેને જઈ વરે જે પરસેવે નાય,
અમદાવાદઃ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની આજે જન્મજયંતી નિમિત્તે સ્વચ્છતા અભિયાન સંદર્ભે ગાંધીજીના ગ્રામ સ્વરાજ અને ગ્રામોત્થાનના વિચારને વધુ ઉન્નત બનાવવા સમગ્ર રાજ્યની 14250 ગ્રામ પંચાયતોમાં ગ્રામસભાનું આયોજન કરાયુ હતું. ત્યારે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગ્રામસભાઓ અંતર્ગત બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના પીપળી ગ્રામ પંચાયતની ગ્રામસભામાં જળ જીવન મિશન અમલીકરણ અંગે સીધો સંવાદ કર્યો હતો. પાલનપુરના પીપળી ગામના સરપંચ રમેશભાઈ પટેલ સાથે વડાપ્રધાને સીધો સંવાદ કર્યો હતો.
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની આજે જન્મજયંતી નિમિત્તે સ્વચ્છતા અભિયાન સંદર્ભે ખાસ ગ્રામસભા બનાસકાંઠાના પાલનપુર તાલુકાના પીંપળી ગામની પસંદગી કરાઈ હતી. આ ગામના સરપંચ સહિત ગ્રામજનો સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંવાદ કર્યો હતો. જેથી ગ્રામજનોમાં ખુશીનો માહોલ છવાયો હતો. વડાપ્રધાનના સંવાદને લઈ ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પીંપળી ગામના લોકો સાથે વીડિયો-કોન્ફરન્સિંગથી જળ જીવન મિશનની વાતચીત કરી હતીં. નરેન્દ્ર મોદીએ જ્યારે તેમના દ્વારા પાણી અંગે લેવામાં આવતા યોગદાન અંગે કહ્યું હતું કે ચૂંટણીમાં મફત પાણીની વાત થશે તો એના જવાબમાં સરપંચે જણાવ્યું હતું કે પાણી આપીશું અને યોગદાન પણ લઈશું, કારણ કે અમે જાણીએ છીએ પાણી અનમોલ છે. પંચાયતના સરપંચે જણાવ્યું હતું કે, ગામમાં પ્રથમ ડોઝની વેક્સિનેશનની કામગીરી સારી કરાઈ છે. આ ગ્રામસભામાં બનાસકાંઠાના કલેક્ટર આનંદ પટેલ, જિલ્લા વિકાસ અધિકારી સ્વપ્નિલ ખરે તેમજ જિલ્લાના સાંસદ પરબત પટેલે ખાસ હાજરી આપી હતી.
વડાપ્રધાન મોદીએ સરપંચ પાસે ગામમાં પાણીની વ્યવસ્થા અને ગુણવત્તા અને લોકોના સહકાર વિશે ચર્ચા કરી હતી. મોદીએ ગુજરાતી કહેવત ‘સિદ્ધિ તેને જઈ વરે જે પરસેવે નાય…’ તેવુ કહીને ગામલોકોનો જુસ્સો વધાર્યો હતો. સાથે જ તેમણે બનાસકાંઠામાં પાણીની તંગી અને તેની મહત્વતા વિશે વાત કરી લોકોને પાણીનું મહત્ત્વ સમજાવ્યું હતું. આ સંવાદમાં પીંપળી ગ્રામસભાએ પ્લાસ્ટિકમુક્ત ગામ બનાવવાનો ઠરાવ પસાર કર્યો હતો. પીએમ મોદીએ ગામ લોકો સાથે અનેક મુદ્દે વાત કરી હતી. પીએમ મોદીએ ગામના સરપંચ રમેશભાઈને પૂછ્યુ હતું કે, તમારા ગામમાં કેટલા ટપક સિંચાઇ પદ્ધતિ સાથે જોડાયેલા છે? તેમણે જવાબ આપ્યો હતો કે, ગામના 95 ટકા લોકો જોડાયા છે.
આ કાર્યક્રમને લઈ ગામમાં ગામમાં દિવાળી જેવો માહોલ જોવા મળ્યો હતો. પાલનપુરનું પીંપળી ગામ દેશનું પ્રથમ ‘નીરોગી’ ગામ બન્યું છે. નળ, ગટર, રસ્તા અને સફાઇમાં અવ્વલ છે. ગામમાં 100 ટકા શૌચાલય, દરેક ઘરે નળ દ્વારા પાણીની વ્યવસ્થા, ગામમાં સફાઈ માટે પણ ખાસ વ્યવસ્થા કરાઈ છે, કચરાના નિકાલ માટે ત્રણ જગ્યાએ ડમ્પિંગ સાઇટ પણ બનાવવામાં આવી છે તો વળી, આ ગામમાં એકપણ ખુલ્લી ગટર નથી, જેથી મચ્છરજન્ય રોગનો ઉપદ્રવ પણ ગામમાં નહિવત્ જેટલો છે.