- બાઈકને ટક્કર મારીને કારચાલક નાસી ગયો હતો,
- ઈજાગ્રસ્ત બાઈકચાલકનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું,
- પોલીસે સીસીટીવીના કૂટેજ મેળવીને નાસી ગયેલા કારચાલકને ઝડપી લીધો
અમદાવાદઃ શહેરના શાહીબાગમાં આવેલા શિલાલેખ પાસે થોડા દિવસ પહેલા હીટ એન્ડ રનનો બનાવ બન્યો હતો. જેમાં પૂરફાટ ઝડપે આવેલી કારે બાઈકને ટક્કર મારીને કાર સાથે ચાલક નાસી ગયો હતો. આ અકસ્માતના પગલે આજુબાજુના લોકોએ દોડી આવીને ઈજાગ્રસ્ત બાઈકચાલકને 108 દ્વારા સારવાર માટે રવાના કર્યો હતો. સારવાર દરમિયાન બાઈકચાલક યુવાનનું મોત નિપજતા પોલીસે ગુનો નોંધીને નાસી ગયેલા કારચાલકની શોધ આદરી હતી. અને સીસીટીવીના કૂટેજ મેળવીને કારચાલકને શોધી કઢાયો હતો. કારચાલક પોલીસ કોન્સ્ટેબલ નીકળતા પોલીસે તેની સામે ગુનોં નોંધીને ધરપકડ કરી છે.
અકસ્માતના આ બનાવની વિગતો એવી હતી કે, શહેરના સુભાષબ્રિજ પાસે રહેતા દેવેન્દ્રભાઇ સંખવાર અગરબત્તીની ડિલિવરીનું કામ કરતા હતા.19 જૂનના રોજ દેવેન્દ્રભાઇ બાઇક લઇને કમિશનર કચેરી તરફથી સુભાષબ્રિજ તરફ જતા હતા. દેવેન્દ્રભાઇ શિલાલેખ ચાર રસ્તા પાસે પહોંચ્યા ત્યારે પાછળથી આવી રહેલી કારના ચાલકે અચાનક ડાબી બાજુ પૂર ઝડપે ટર્ન લીધો હતો જેના કારણે દેવેન્દ્રભાઇ બાઇક સાથે રોડ પર પટકાતા તેમને ગંભીર ઇજાઓ પહોંચી હતી.અકસ્માત કરીને કારચાલક રિવરફ્રન્ટ તરફ ભાગી ગયો હતો. આ મામલે એલ ડિવિઝન ટ્રાફિક પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. ઇજાગ્રસ્ત દેવેન્દ્રભાઇનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.પોલીસે સીસીટીવી ફુટેજના આધારે તપાસ શરૂ કરી હતી.તપાસ દરમિયાન કાર પોલીસ કોન્સ્ટેબલ દિગ્વિજયસિંહની હોવાનું સામે આવ્યું હતું અને અકસ્માત પણ તેમને જ કર્યો હતો. જેથી પોલીસે આરોપી દિગ્વિજયસિંહની ધરપકડ કરી છે. દિગ્વિજયસિંહ પોલીસ કંટ્રોલરૂમમાં ફરજ બજાવતા હતા અને ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં તેમની બદલી આવતા તે છૂટા થયા હતા. હાલ આરોપીની ધરપકડ કરી તપાસ હાથ ધરી છે.