Site icon Revoi.in

વડોદરા શહેરમાં દ્વીચક્રી વાહનચાલકોમાં હેલ્મેટની જાગૃતિ માટે પોલીસ દ્વારા રેલી યોજાઈ

Social Share

વડોદરાઃ શહેર પોલીસ દ્વારા 15મી સપ્ટેમ્બરથી હેલ્મેટના કાયદાનું કડક પાલન કરાવવા માટે ઝૂંબેશ શરૂ કરવામાં આવશે. ત્યારે દ્વીચક્રી વાહનચાલકોમાં હેલ્મેટની જાગૃતિ માટે પોલીસ દ્વારા જનજાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતુ. શહેરના અકોટા બ્રિજ ખાતેથી બાઇક રેલીને પોલીસ મહાનિર્દેશક વિકાસ સહાય, પોલીસ કમિશનર નરસિંહા કોમાર તથા અધિક પોલીસ કમિશનર ડૉ. લીના પાટીલએ લીલી ઝંડી બતાવીને રેલીને પ્રસ્થાન કરાવ્યું હતું અને હેલ્મેટ વિતરણ કરાયુ હતું.

વડોદરા શહેરમાં રોડ અકસ્માતો ઘટાડવા અને નાગરિકોને ટ્રાફિકના નિયમોનું પાલન કરવા પ્રેરિત કરવા માટે રેલીનું પ્રસ્થાન શહેરના અકોટા બ્રિજ ખાતેના સોલાર પેનલથી કરાયુ હતું. આ રેલી યોગ સર્કલ સુધી આશરે 3 કિલોમીટરની સુધી યોજીને શહેરના લોકોને હેલ્મેટ પહેરવા સહિત માર્ગ સલામતીના નિયમોનું પાલન કરવા અંગે સંદેશ આપવામાં આવ્યો હતો.

શહેર પોલીસના ઉપક્રમે યોજાયેલી આ બાઇક રેલીમાં આશરે બે હજારથી વધુ નાગરિકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. જેમાં જિલ્લાના પોલીસ જવાનો,  SHE ટીમના સભ્યો, એસ.આર.પી.એફ.ના જવાનો, વિવિધ હોસ્પિટલોના સ્ટાફ, વિટકોસ સિટી બસ સ્ટાફ, હેલ્મેટ તથા ટુ વ્હીલર ડીલર્સ, ચેકમેટ સિક્યુરિટી, જી.એસ.એફ.સી. કંપનીના કર્મચારીઓ, જાવા તથા રોયલ એનફિલ્ડ બાઇકર્સ, ગ્લોબલ કોલાયન્સ, એમ.એસ. યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ, શાળાઓ તથા કોલેજોના શિક્ષકો અને વિદ્યાર્થીઓ ઉપરાંત બ્લિંક ઇટ, ઝોમેટો, સ્વિગી જેવા ઓનલાઇન પ્લેટફોર્મના ડિલિવરી સ્ટાફ સહિત મોટી સંખ્યામાં વડોદરાના નાગરિકો જોડાયા હતા. આ પ્રસંગે અન્ય પોલીસ અધિકારીઓ અને મહાનુભાવો પણ જોડાયા હતા.

રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયે જણાવ્યું હતું કે, વડોદરા શહેરના માર્ગ સલામતી અનુસંધાને હેલ્મેટ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીમાં 2 હજાર જેટલા પોલીસકર્મીઓ જોડાયા હતા. આ રેલીના માધ્યમથી રોડ સલામતી અને ટ્રાફિક સલામતીનો ખાસ સંદેશ શહેરીજનોને આપવા માંગીએ છીએ. રાજ્ય અને દેશમાં રોડ અકસ્માતમાં લોકો જીવ ગુમવનારની સંખ્યાં ખૂબ ચિંતાજનક છે. આ સંખ્યા કેવી રીતે ઓછી કરી શકાય અને ગુજરાતના રોડ પર ટ્રાફિક સલામતીને ધ્યાને રાખીને શું કાર્યવાહી કરી શકાય, એ રાજ્ય સરકાર અને ગુજરાત પોલીસની રહી છે. જેને લઇને આજના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

Exit mobile version