- અફાટ રણમાં પાણી વિના 9 યુવાનો 15 કલાક ટળવળ્યા,
- પોલીસે 18 કલાકે ટ્રેક્ટર વડે 12 લોકોને રેસ્ક્યુ કર્યા,
- કચ્છના નાના રણમાં વાછડાદાદાના દર્શન માટે ગયેલા 9 મિત્રો વરસાદમાં ફસાયા,
સુરેન્દ્રનગરઃ કચ્છના નાના રણમાં આવેલા વાછરડા દાદાના દર્શન માટે પાટડીના 9 યુવાનો બાઈક પર સવાર થઈને નિકળ્યા હતા. અફાટ રણ વિસ્તારમાં પહોંચતા જ વરસાદ શરૂ થયો હતો. તમામ યુવાનો રણમાં ભૂલા પડ્યા હતા. યુવાનો પાટડી બાજુ આવવાના બદલે ધ્રાંગધ્રા તાલુકાના સુલતાનપુર તરફ આવી ગયા હતા. નવેય મિત્રોએ કાદવમાં બાઈકને માંડ બેથી ત્રણ કિમી દોરીને લઇ જતા થાકી ગયા હતા.બાદમાં દિશાભ્રમ થતાં રણમાં રસ્તો ભૂલી ગયા હતા. 15 કલાક સુધી રખડપટ્ટી કરતા ભૂખ અને તરસને કારણે એમની હાલત કફોડી બની ગઈ હતી. દરમિયાન યુવાનો રણ વિસ્તારમાં ફસાયા હોવાની જાણ થતાં તેમના 3 વાલીઓ પણ રણમાં જતા તે પણ ફસાયા હતા. આખરે આ બનાવની જાણ થતા 9 યુવાનો અને તેમના 3 વાલીઓ સહિત 12 લોકોને 18 કલાકે ટ્રેક્ટર વડે રેસ્ક્યુ કરી પોલીસે બચાવ્યા હતા.
આ બનાવની વિગત એવી છે કે, પાટડીના નવ મિત્રો બપોરે બે વાગ્યે ચાર બાઈક લઈને પાટડીથી ખારાઘોડા થઈને કચ્છના નાના રણમાં આવેલી ઐતિહાસિક વાછડાદાદાની જગ્યાએ દર્શન કરવા નીકળ્યા હતા.રણમાં વાછડાદાદાની જગ્યા માત્ર 10 કિમી દૂર હતી અને વરસાદ વરસવાનો શરુ થયો હતો.બાદમાં મુશળધાર વરસાદ શરુ થતાં આ નવેય મિત્રો ચાર બાઈક સાથે રણમાં અટવાયા હતા.બાદમાં આ નવેય મિત્રોએ કાદવમાં બાઈકને માંડ બેથી ત્રણ કિમી દોરીને લઇ જતા થાકી ગયા હતા.બાદમાં દિશાભ્રમ થતાં રણમાં રસ્તો ભૂલી ગયા હતા.ભૂખ અને તરસને કારણે એમની હાલત કફોડી બની ગઈ હતી. નવ મિત્રો પોતાની ચારેય બાઈકોને રણમાં જ મૂકીને દૂર લાઈટનું અજવાળું દેખાતા ઓડું ગામની લાઈટ હોવાનું માનીને એ દિશામાં આગળ વધ્યા હતા,અને તેઓ પાટડી બાજુ આવવાના બદલે ધ્રાંગધ્રા તાલુકાના સુલતાનપુર તરફ આવી ગયા હોવાનો અંદેશો મળતા તેઓ ત્યાંથી પરત વળ્યાં હતા.અને અંદાજે વેરાન રણમાં કાદવ કીચડમાં 20થી 25 કિમી ચાલીને તેઓ એટલી હદે થાકી ગયા હતા કે તેઓ ભૂખ્યા અને તરસ્યા રણમાં નીચે જ સુઈ ગયા હતા. બાદમાં એ નવ મિત્રોમાંથી એક યુવાને પોતાના પિતા પોપટભાઈ બજાણીયાને મોબાઈલથી ફોન કરીને રણમાં વરસાદ વચ્ચે ફસાયા હોવાનું જણાવતા તેઓ ખારાઘોડાથી પગપાળા પાણીની બોટલો અને વેફરના પડીકા લઈને રણમાં પહોંચતા રણમાં કાદવમાં ચાલી ચાલીને ભૂખ્યા,તરસ્યા અને અધમુવા થયેલા યુવાનોને 15 કલાકે પીવાનું પાણી નશીબ થયું હતું.બાદમાં આ નવ મિત્રો સાથે ત્રણ વાલીઓ પણ રણમાં રસ્તો ભૂલીને અટવાઈ જતા મોબાઈલથી કન્ટ્રોલ રૂમને જાણ કરી બચાવવા માટે અપીલ કરી હતી.બાદમાં સુરેન્દ્રનગર કન્ટ્રોલ રૂમથી રાત્રે 3 વાગ્યે પાટડી પોલીસને જાણ કરતા પાટડી પોલીસે ટ્રેક્ટર દ્વારા બે રણ ભોમિયાને સાથે રાખી સવારે છ વાગ્યે રણમાં આ 12 જણાને દૂધ અને બિસ્કિટ ખવડાવી હેમખેમ રેસ્ક્યુ કરીને રણમાંથી બહાર કાઢ્યા હતા.
રણમાં ભૂલા પડેલા આ નવ યુવાનોમાથી એકાદ બે યુવાનોના મોબાઈલ ચાલુ હોવાથી લોકેશનના આધારે પોલીસ એમના સુધી પહોંચી શકી હતી. જો એમના મોબાઈલની બેટરી પત્યા પછી જો બધાના મોબાઈલ બંધ થઇ ગયા હોત તો રણમાં એમને શોધવા મુશ્કેલ થઇ જાત. કારણ કે, આ રણ 5,000 ચો. કિમીમાં ફેલાયેલું વિશાળ રણ છે. અને એમાંય આ નવ મિત્રોમાંથી 3 મિત્રો અંધારામાં એકબીજાથી છુટા પડી ગયા હતા. બાદમાં પોલીસે બધાને એકસાથે રહેવાનું જણાવતા બાદમાં તમામ નવ મિત્રો રણમાં સાથે થઇ ગયા હતા.
પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, હેડ કોન્સ્ટેબલ દિપકભાઈ રાઠોડ એક થાર ગાડી અને ટ્રેક્ટર સાથે બે રણ ભોમિયા સંજયભાઈ અને ઇસ્માઇલભાઈ મિયાણાને લઇ રાત્રે ત્રણ વાગ્યે રણમાં ગયા હતા. જ્યાં રસ્તામાં થાર ગાડી પણ રણમાં કાદવમાં ફસાઈ હતી. બાદમાં ટ્રેક્ટરમાં કે જેની લાઈટ પણ બંધ થઇ ગઈ હતી, એમાં આ બારેય લોકોને ચાર બાઈક સાથે ટ્રેક્ટરમાં બેસાડી એ ટ્રેક્ટર દ્વારા જ રણમાં ફસાયેલી થાર ગાડીને પણ બહાર કાઢી વહેલી સવારે 9 વાગ્યે હેમખેમ પાટડી એમના ઘેર પહોંચાડ્યા હતા.