1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગુજરાતમાં પ્રિ-મોન્સુન એક્ટિવિટી, આજથી 12 જિલ્લાઓમાં હળવા ઝાપટાં પડવાની આગાહી
ગુજરાતમાં પ્રિ-મોન્સુન એક્ટિવિટી, આજથી 12 જિલ્લાઓમાં હળવા ઝાપટાં પડવાની આગાહી

ગુજરાતમાં પ્રિ-મોન્સુન એક્ટિવિટી, આજથી 12 જિલ્લાઓમાં હળવા ઝાપટાં પડવાની આગાહી

0
Social Share

અમદાવાદઃ ગુજરાતમાં મેઘરાજાના આગમનની ઘડીઓ ગણાઈ રહી છે. વાતાવરણમાં બફારો વધતો જાય છે. ત્યારે આજથી પ્રિ-મોન્સુન એકટીવીટી શરુ થવાના સંકેત હોય તેમ રાજયના અર્ધોઅર્ધ ભાગોમાં તોફાની પવન અને ગાજવીજ સાથે હળવા ભારે ઝાપટા પડશે, તેવી હવામાન વિભાગે આગાહી કરી છે.

રાજ્યના હવામાન વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ  ગુજરાતમાં આગામી 12 જિલ્લાઓમાં આજથી પ્રિમોન્સુન એકટીવીટીના ભાગરૂપે છુટાછવાયા ઝાપટાથી માંડીને હળવો વરસાદનો દૌર શરુ થઈ જશે. આ દરમિયાન 30થી40 કી.મી. સુધીની ઝડપે પવન ફુંકાવવાની અને વિજળીના કડાકા ભડાકા વચ્ચે હળવા થંડરસ્ટોર્મની પણ શકયતા છે. રિપોર્ટમાં જણાવાયા પ્રમાણે શનિવાર સુધી દક્ષિણ ગુજરાતના વડોદરા, ભરૂચ, સુરત, ડાંગ, વલસાડ, તાપી, દમણ ઉપરાંત સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથ તથા જુનાગઢ જિલ્લામાં આ પ્રકારની પ્રિમોન્સુન એકટીવીટી સર્જાવાની શકયતા છે.

હવામાન વિભાગના સૂત્રોએ ઉમેર્યું હતું કે,રવિવારથી રાજયના વધુ કેટલાક ભાગોમાં હળવા વરસાદનો વ્યાપ વધશે. રવિવારથી મધ્ય ગુજરાતના અમદાવાદ, આણંદ, ખેડા, વડોદરા, નવસારી ઉપરાંત સૌરાષ્ટ્રના રાજકોટ જેવા જીલ્લાઓમાં પણ પ્રિમોન્સુન વરસાદી ગતિવિધિ દેખાવા લાગશે. હવામાન વિભાગના કહેવા પ્રમાણે આવનારા પાંચેય દિવસો દરમ્યાન ડઝન જેટલા જીલ્લાઓમાં ગાજવીજ અને વિજળીના કડાકા ભડાકા તથા ઝડપી પવન સાથે તોફાની છૂટાછવાયાથી માંડીને હળવા મધ્યમ વરસાદ થઈ શકે છે. જોકે તાપમાનમાં કોઈ મોટો બદલાવ થાય તેમ નથી પરંતુ ત્રણ દિવસ બાદ તાપમાનમાં બે થી ત્રણ ડીગ્રીનો ઘટાડો થવાની શકયતા છે. આ દરમિયાન રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં મહતમ તાપમાનનો પારો 40 ડીગ્રીથી નીચે ઉતરી શકે છે. હવામાન ખાતાના સૂત્રોના કહેવા પ્રમાણે નૈઋત્ય ચોમાસુ હાલ બેંગ્લોર નજીક છે અને ત્યાંથી ગોવા પહોંચશે. આવતા બે દિવસમાં ચોમાસુ મહારાષ્ટ્ર સુધી પહોંચી શકે છે. હવામાન વિભાગ દ્વારા ચોમાસાની આગળ ધપવાની ગતિવિધિ તથા પ્રક્રિયા પર સતત વોચ રાખવામાં આવી રહી છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code