રાજકોટઃ ચોમાસાના આગમનને સવા મહિના જેટલો સમય બાકી છે. ત્યારે રાજકોટ શહેરમાં મ્યુનિ.કોર્પોરેશન દ્વારા પ્રિ-મોન્સુન કામગીરીનો પ્રારંભ શરૂ કરી દેવામાં આવ્યા છે. તમામ ગટરોની સાફ-સફાઈ કરવામાં આવી રહી છે. જે વિસ્તારોમાં વરસાદી પાણી ભરાય તે વિસ્તારોમાં પાણીનો ત્વરિત નિકાલ થાય તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે. શહેરના 52 જેટલા વોકળાની સફાઈ કરવામાં આવી છે. તમામ કામગીરી આગામી 10 દિવસમાં જ પુરી કરી દેવાશે.
ગુજરાતભરમાં છેલ્લા બે દિવસથી તાપમાનમાં વધારો થઈ રહ્યો છે. જૂન મહિનાના પ્રથમ સપ્તાહમાં ચોમાસુ શરૂ થવાની શક્યતાએ રાજકોટ મ્યુનિ.ના સત્તાધિશોએ છેલ્લા 15 દિવસથી પ્રિ-મોન્સૂનની કામગીરી શરૂ કરી છે. આ કામગીરી આગામી 10 દિવસમાં પૂર્ણ થશે અને તેમાં અંદાજીત રૂપિયા 40-45 લાખનો ખર્ચ થાય તેવી શક્યતા છે. દરમિયાન રાજકોટ શહેરના મેયર પ્રદિપ ડવએ જણાવ્યું હતું કે, પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ રાજકોટ મ્યુનિ.કોર્પોરેશન દ્વારા એપ્રિલ મહિનાના છેલ્લા સપ્તાહથી પ્રિ-મોન્સૂનની કામગીરી હાથ ધરવામાં આવી છે. જેમાં શહેરભરમાં ચોમાસા દરમિયાન પાણી ભરાય નહીં તે માટે વોકળા અને નાળાઓની સફાઈની કામગીરી કરવામાં આવી રહી છે. અંદાજે 52 જેટલા વોકળાની સફાઈ કરવામાં આવી રહી છે. આ કામગીરી આગામી 10 દિવસમાં જ પુરી કરી દેવામાં આવશે.
રાજકોટના મેયર ડો. પ્રદીપ ડવએ વધુમાં જણાવ્યું હતું કે, પ્રિ-મોન્સૂનની કામગીરી સંદર્ભે શહેરમાં આવેલા નાના-મોટા વોકળાની સફાઈ કરવા ઉપરાંત તમામ 18 વોર્ડની ડ્રેનેજ કુંડીઓ સહિત પાણીના નિકાલ માટે જે કાંઈ મુશ્કેલીઓ અગાઉ થયેલી છે. તે ન થાય તે માટેની કામગીરી કરવામાં આવી રહી છે. છેલ્લા પંદર દિવસથી ચાલી રહેલી કામગીરીમાં શહેરના 52 જેટલા વોકળાની સફાઇ, ડ્રેનેજ કુંડીઓની સફાઈ અને સ્ટ્રોર્મ વોટર પાઇપલાઇનની સફાઈ કરવામાં આવી રહી છે. જેમાં 52 પૈકીનાં 38 વોકળાની સફાઈ પૂર્ણ થઈ ચૂકી છે. આ કામગીરી માટેનો અંદાજીત ખર્ચ રૂ. 40-45 લાખ થવાની શક્યતા છે.
અત્રે ઉલ્લેખનીય છે. કે, પ્રતિવર્ષ ચોમાસા પૂર્વે આરએમસી દ્વારા પ્રિ-મોન્સૂનની કામગીરી કરવામાં આવતી હોય છે. જો કે, આ કામગીરી માત્ર કાગળ પર જ થતી હોય તેમ મામુલી વરસાદ પડતાં જ શહેરના વિવિધ વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાતા આ કામગીરીની પોલ ખુલ્લી પડતી હોય છે. ત્યારે આ વખતે પણ કામગીરી ખરેખર કરવામાં આવી છે કે માત્ર કાગળ ઉપર જ આ કામ થયું છે તેની સાચી હકીકત ચોમાસામાં બેથી ત્રણ ઇંચ વરસાદ પડ્યા બાદ જ સામે આવશે.