ગુજરાતમાં ડિગ્રી-ડિપ્લોમા ફાર્મસીની 106 કોલેજોની 9000 બેઠકો માટે ઓનલાઇન રજિસ્ટ્રેશનનો પ્રારંભ
અમદાવાદઃ ઘોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર થયા બાદ રાજ્યમાં ઈજનેરીમાં ઓનલાઈન પ્રવેશ બાદ હવે આજે 9મી મેથી ડિગ્રી-ડિપ્લોમા ફાર્મસી માટે ઓનલાઇન રજિસ્ટ્રેશન પ્રક્રિયાનો પ્રારંભ કરાયો છે. ડિગ્રીની 7310 અને ડિપ્લોમાની 1640 બેઠકો માટે આગામી 5મી જૂન સુધી રજિસ્ટ્રેશન થઇ શકશે. ગત વર્ષે ડિપ્લોમા અને ડિગ્રી ફાર્મસીમાં 1500થી વધારે બેઠકો ખાલી પડી હતી.
પ્રવેશ સમિતિના સૂત્રોના જણાવ્યા મુજબ ધો.12 સાયન્સના પરિણામ જાહેર થયા બાદ ડિગ્રી ઇજનેરીમાં ગત 2જી મેથી ઓનલાઇન પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી હતી. હવે આજથી એટલે કે 9મી મેને મંગળવારથી ફાર્મસીમાં પ્રવેશ કાર્યવાહીનો એનલાઈન પ્રારંભ કરાયો છે. રાજ્યમાં ડિગ્રી ફાર્મસીની 3 સરકારી, 3 ગ્રાન્ટેડ અને 88 સ્વનિર્ભર કોલેજોની સાથે ડિપ્લોમા ફાર્મસીની 1 સરકારી, 7 ગ્રાન્ટેડ અને 18 સ્વનિર્ભર કોલેજો મળી કુલ 106 કોલેજોમાં ડિગ્રી ફાર્મસીની 7310 અને ડિપ્લોમા ફાર્મસીની 1640 બેઠકો ઉપલબ્ધ છે. ગત વર્ષે ડિગ્રી ફાર્મસીમાં 7310માંથી 6353 બેઠકો ભરાઇ હતી. જ્યારે ડિપ્લોમા ફાર્મસીમાં 1640 બેઠકો પૈકી 975 બેઠકો ભરાઇ હતી. આમ, બન્નેની મળીને અંદાજે 1500 બેઠકો ખાલી પડી હતી. આજથી શરૂ થનારી રજિસ્ટ્રેશનની પ્રક્રિયામાં સેન્ટ્રલ બોર્ડ સહિતના તમામ બોર્ડના વિદ્યાર્થીઓ ધો.12ની માર્કશીટની જગ્યાએ પરીક્ષાની હોલ ટિકિટ અપલોડ કરીને રજિસ્ટ્રેશન પ્રક્રિયા પૂર્ણ કરી શકશે.
આ ઉપરાંત જે વિદ્યાર્થીઓએ ટ્રાન્સફર સર્ટિફિકેટ કે શાળા છોડ્યાનું પ્રમાણપત્ર મળ્યું નથી તેઓ બોનાફાઇડ સર્ટિફિકેટ અથવા આધારકાર્ડ અપલોડ કરીને રજિસ્ટ્રેશન પૂર્ણ કરી શકશે. જે વિદ્યાર્થીઓએ પૂરક પરીક્ષા પાસ કરી હોય તેઓએ તમામ માર્કશીટ અપલોડ કરવાની રહેશે. જે ઉમેદવારોએ ગુજકેટ 23 અથવા નીટ 23- જેઇઇ 23 અથવા બન્ને આપી હોય તેવા વિદ્યાર્થીઓ જ પ્રથમ રાઉન્ડમાં રજિસ્ટ્રેશન કરાવી શકશે. ગત વર્ષની પ્રવેશ પરીક્ષામાં બેઠા હોય અને ચાલુ વર્ષે પરીક્ષા આપી ન હોય તેવા વિદ્યાર્થીઓ પ્રવેશપાત્ર નથી તેવી સ્પષ્ટતા કરવામાં આવી છે. આજે 9મીએ બપોરે 12 વાગે ઓનલાઇન રજિસ્ટ્રેશનનો પ્રારંભ કરાયો હતો. કુલ બેઠકો પૈકી 50 ટકા બેઠકો મેનેજમેન્ટ ક્વોટા તરીકે ભરવાની રહેશે. વિદ્યાર્થીઓએ જેઇઇ-ગુજકેટ આપી હોય તેવા વિદ્યાર્થીઓે મેનેજમેન્ટ ક્વોટામાં પ્રવેશપાત્ર ગણવામાં આવશે. ફાર્મસીમાં ગત વર્ષે મોડા પ્રવેશને કારણે બેઠકો ખાલી પડી હતી. ફાર્મસી ડિપ્લોમા અને ડિગ્રીમાં પ્રવેશ માટે www. gujacp. nic. in પર રજિસ્ટ્રેશન કરાવી શકાશે. LC ની જગ્યાએ બોનોફાઇડ સર્ટિફિકેટ કે આધાર કાર્ડ અપલોડ કરી શકાશે.પુરક પરીક્ષા પાસ કરનારા વિદ્યાર્થીઓએ તમામ માર્કશીટ અપલોડ કરવાની રહેશે. જે વિદ્યાર્થીઓએ JEE,NEET કે GUJCET ની પરીક્ષા આપી હશે તે જ વિદ્યાર્થીઓ રજિસ્ટ્રેશન કરાવી શકશે. 350 રૂપિયા રજિસ્ટ્રેશન ફી ભરવાની રહેશે.