ઐતિહાસિક બજેટની તૈયારી: 1 ફેબ્રુઆરીએ રજૂ થઈ શકે છે કેન્દ્રીય બજેટ
નવી દિલ્હી, 8 જાન્યુઆરી 2026: કેન્દ્ર સરકાર આગામી 1 ફેબ્રુઆરીએ દેશનું સામાન્ય બજેટ રજૂ કરે તેવી પ્રબળ શક્યતા છે. સંસદીય બાબતોની કેબિનેટ સમિતિની મળેલી બેઠકમાં આગામી બજેટ સત્રની તારીખો અંગે દરખાસ્ત મૂકવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, સંસદનું બજેટ સત્ર 28 જાન્યુઆરીથી શરૂ કરવાની અને 1 ફેબ્રુઆરીએ કેન્દ્રીય બજેટ રજૂ કરવાની યોજના છે.
આ વર્ષે 1 ફેબ્રુઆરીએ રવિવાર છે, તેમ છતાં નાણાકીય પ્રક્રિયાઓમાં સાતત્ય જાળવી રાખવા માટે સરકાર તે જ દિવસે બજેટ રજૂ કરે તેવી પૂરેપૂરી સંભાવના છે. ઉલ્લેખનીય છે કે, 2017માં મોદી સરકારે વર્ષો જૂની પરંપરા બદલીને 28 ફેબ્રુઆરીના બદલે 1 ફેબ્રુઆરીએ બજેટ રજૂ કરવાનો નિર્ણય લીધો હતો, જે આજ સુધી જાળવી રાખવામાં આવ્યો છે.
- નિર્મલા સીતારમણનો અનોખો રેકોર્ડ
નાણામંત્રી નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરી 2026ના રોજ સતત 9મી વખત બજેટ રજૂ કરીને એક નવો વિક્રમ સ્થાપિત કરશે. તેઓ ભારતના ઈતિહાસમાં સતત 9 બજેટ રજૂ કરનાર પ્રથમ નાણામંત્રી બનશે. આ સાથે તેઓ પૂર્વ વડાપ્રધાન મોરારજી દેસાઈના કુલ 10 બજેટના રેકોર્ડની અત્યંત નજીક પહોંચી જશે.
- મહિલા નાણામંત્રી તરીકેની સિદ્ધિ
2019માં ભારતના પ્રથમ પૂર્ણકાલીન મહિલા નાણામંત્રી બન્યા બાદ નિર્મલા સીતારમણ સતત દેશની આર્થિક સુકાન સંભાળી રહ્યા છે. પી. ચિદમ્બરમે પણ 9 બજેટ રજૂ કર્યા હતા, પરંતુ સતત બજેટ રજૂ કરવાના મામલે સીતારમણ હવે સૌથી આગળ નીકળી જશે. આ બજેટ સત્રની સત્તાવાર જાહેરાત ટૂંક સમયમાં કરવામાં આવશે.
(PHOTO-FILE)
આ પણ વાંચોઃ હલ્દિયામાં નવું નૌસેનિક મથક તૈયાર, ચીન-પાક-બાંગ્લાદેશ પર રખાશે નજર


