Homeગુજરાતીદેશ-વિદેશભારતમાં પ્લાસ્ટિક નોટ લાવવાની તૈયારીઓ તેજ બની, ચીન અને પાકિસ્તાનની વેન્ટર-સપ્લાયર પર...

ભારતમાં પ્લાસ્ટિક નોટ લાવવાની તૈયારીઓ તેજ બની, ચીન અને પાકિસ્તાનની વેન્ટર-સપ્લાયર પર પ્રતિબંધ

નવી દિલ્હી, 31 ઓગસ્ટ 2026: નકલી નોટોના કારોબાર અને આર્થિક સાજીશો પર અંકુશ મેળવવા માટે ભારતીય રિઝર્વ બેંક હવે દેશમાં પ્લાસ્ટિક (પોલિમર) ની ચલણી નોટો લાવવાની દિશામાં મોટું પગલું ભરી રહી છે. નવી કરન્સી માટેના ગ્લોબલ ટેન્ડરમાં રાષ્ટ્રીય સુરક્ષાને સર્વોપરી રાખીને કડક શરતો મૂકવામાં આવી છે, જેના કારણે ચીન કે પાકિસ્તાન સાથે જોડાયેલા કોઈપણ વેન્ડર કે સપ્લાયરની ડાયરેક્ટ કે ઇનડાયરેક્ટ એન્ટ્રી સંપૂર્ણપણે મુશ્કેલ થઈ ગઈ છે.

દેશમાં ઓછી કિંમતની પ્લાસ્ટિકની નોટો લાવવા માટે ભારતીય અને વિદેશી કંપનીઓએ ઇનબિલ્ટ સિક્યુરિટી ફીચર્સ ધરાવતી પોલિમર સબસ્ટ્રેટ શીટના સપ્લાય માટે બોલી (બિડ) લગાવી છે. RBI ની પેટાકંપની ‘ભારતીય રિઝર્વ બેંક નોટ મુદ્રણ પ્રાઇવેટ લિમિટેડ’ દ્વારા જારી કરાયેલા ગ્લોબલ ‘એક્સપ્રેશન ઓફ ઇન્ટરેસ્ટ’ અંતર્ગત બે વિદેશી પોલિમર કરન્સી નિર્માતા કંપનીઓ અને યુકેની નોટ બનાવતી પ્રખ્યાત કંપની ‘ડી લા રૂ’ સાથે પાર્ટનરશિપ કરનાર એક ભારતીય સબસ્ટ્રેટ કંપનીએ રસ દાખવ્યો છે.

પોલિમર નોટોની સંવેદનશીલતાને ધ્યાનમાં રાખીને કંપનીઓએ એક અખંડિતતા પત્ર (ઇન્ટિગ્રિટી પેક્ટ), ગુપ્તતા કરાર અને વચનપત્ર આપવું પડ્યું છે કે તેઓ ભારતમાં પોતાના ઓપરેશન્સને ચીન અને પાકિસ્તાનમાં હાજર પોતાના ઓપરેશન્સથી બિલકુલ અલગ (ફાયરવૉલ) રાખશે. આ ઉપરાંત, સપ્લાય કરવામાં આવનાર પોલિમર સબસ્ટ્રેટમાં પ્રાણીઓની ચરબી કે તેનું DNA નહીં હોય તેવી ખાતરી પણ આપવી પડી છે.

  • કેટલી શીટની જરૂર રહેશે?

ભારતીય રિઝર્વ બેંક નોટ મુદ્રણ પ્રાઇવેટ લિમિટેડએ ભારતીય નોટોની છપાણી માટે તાત્કાલિક ધોરણે આશરે 68000 રીમ પોલિમર સબસ્ટ્રેટની જરૂરિયાત દર્શાવી છે. દરેક રીમમાં 500 શીટ હોવી જરૂરી છે. આ સેમ્પલ્સનું પરીક્ષણ અલગ-અલગ ક્લાયમેટિક ઝોનમાં કરવામાં આવશે. આ દોડમાં ભારતની અગ્રણી કંપની ‘કોસ્મો ફર્સ્ટ’ પણ સામેલ છે, જે ‘ડી લા રૂ’ ની પ્રમુખ સપ્લાયર છે. આ ઉપરાંત, ઓસ્ટ્રેલિયાની ‘CCL સ્યોર’ અને વિયેતનામની કંપનીએ પણ આ ટેન્ડર માટે બોલી લગાવી છે. રિઝર્વ બેંક શરૂઆતમાં 10 અને 20 રૂપિયાની નોટો માટે પોલિમર કરન્સી લાવવાની યોજના પર કામ કરી રહી છે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular