સુરત, 31 ઓગસ્ટ, 2026 – ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તામંડળ (GSLSA) દ્વારા જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ, સુરતના સહયોગથી ‘ઉડાન – અધિકારોથી આત્મનિર્ભરતા’ નામના ભવ્ય કાનૂની સેવા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે નેશનલ લીગલ સર્વિસિસ ઓથોરિટી (NALSA)ના કાર્યકારી અધ્યક્ષ તથા ભારતની સર્વોચ્ચ અદાલતના માનનીય ન્યાયાધીશ શ્રી જસ્ટિસ વિક્રમનાથના વરદ હસ્તે ત્રણ મહત્વપૂર્ણ પ્રોજેક્ટનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.
શેરીઓમાં રહેતા બાળકોને મૂલ્ય આધારિત પાયાનું શિક્ષણ પૂરું પાડવાના ઉદ્દેશ્યથી ‘સિગ્નલ સ્કૂલ’ નામનો પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે. જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ, સુરત અને સુરત મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે હાથ ધરવામાં આવેલા આ પ્રોજેક્ટને માનનીય શ્રી જસ્ટિસ વિક્રમનાથે ફ્લેગ ઓફ કર્યો હતો.
આ પણ વાંચોઃ નવવારી સાડીમાં સજ્જ એક ગુજરાતી મહિલાએ જ્યારે કિલિમાન્જારો શિખર ઉપર ભારતીય ત્રિરંગો લહેરાવ્યો
આ ઉપરાંત, તેમના હસ્તે ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તામંડળના ‘વોર રૂમ’ તથા રાજ્યના ચાર ક્લસ્ટર માટેની ‘ઓનલાઇન કાયમી લોક અદાલત’ એમ બે પ્રોજેક્ટનું વર્ચ્યુઅલ ઉદ્ઘાટન પણ કરવામાં આવ્યું હતું.
મહાનુભાવોની ઉપસ્થિતિ
આ કાર્યક્રમમાં ગુજરાત હાઇકોર્ટના માનનીય મુખ્ય ન્યાયાધીશ તથા GSLSAના કાર્યકારી અધ્યક્ષ શ્રી એ. વાય. કોગજે પણ ઉપસ્થિત રહી કાર્યક્રમની શોભા વધારી હતી.
વિશાળ જનમેદનીને સંબોધતાં જસ્ટિસ વિક્રમનાથે સૌને અપીલ કરી હતી કે બાળકોને મદદની જરૂરિયાત ધરાવતા તરીકે નહીં, પરંતુ પોતાની મહત્વાકાંક્ષા અને સપનાં ધરાવતા વ્યક્તિ તરીકે જોવામાં આવે.
સુરતના પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજ શ્રી રાહુલ ત્રિવેદી, જેઓ 22 માર્ચ, 2022ના રોજ અમદાવાદ શહેરમાં ‘સિગ્નલ સ્કૂલ’ પ્રોજેક્ટનો પ્રારંભ કરવામાં આવ્યો ત્યારે GSLSAના મેમ્બર સેક્રેટરી હતા, તેમણે આ પ્રોજેક્ટના વિવિધ પાસાઓની વિસ્તૃત માહિતી આપી હતી.
ત્યારબાદ માનનીય શ્રી જસ્ટિસ વિક્રમનાથ, ગુજરાત હાઇકોર્ટના તમામ માનનીય ન્યાયાધીશો તથા અન્ય પ્રતિષ્ઠિત મહાનુભાવોની ઉપસ્થિતિમાં આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટને સત્તાવાર રીતે ફ્લેગ ઓફ કરવામાં આવ્યો હતો.


