Site icon Revoi.in

રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું ખૂબ સન્માન કરે છેઃ વ્હાઇટ હાઉસ

Social Share

અમેરિકાના વ્હાઇટ હાઉસે જણાવ્યું હતું કે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું ખૂબ સન્માન કરે છે. તેમણે જણાવ્યું કે ટ્રમ્પ અને મોદી વચ્ચે અવારનવાર વાતચીત થતી રહે છે. વ્હાઇટ હાઉસના પ્રેસ સચિવ કેરોલિન લેવિટે કહ્યું કે ટ્રમ્પ ભારત-અમેરિકાના સંબંધોને લઈને ખૂબ સકારાત્મક છે અને તેમને બંને દેશો વચ્ચેના સંબંધો પર ઊંડો વિશ્વાસ છે. તેમણે જણાવ્યું કે ટ્રમ્પ અને પીએમ મોદી ઘણા મુદ્દાઓ પર સીધી વાતચીત કરે છે. તેમણે કહ્યું, “મને ખબર છે કે રાષ્ટ્રપતિ પ્રધાનમંત્રી મોદીનું ખૂબ સન્માન કરે છે અને તેઓ અવારનવાર વાતચીત કરે છે.”

લેવિટે હાલમાં વ્હાઇટ હાઉસમાં ઉજવવામાં આવેલી દીપાવલી અને સર્જિયો ગોરને અમેરિકાના નવા ભારતીય રાજદૂત તરીકે નિયુક્ત કરવાના નિર્ણયનો પણ ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું કે આ બધું ટ્રમ્પની ભારત સાથે મજબૂત સંબંધોની ઇચ્છા દર્શાવે છે, જે દ્વિપક્ષીય સંબંધોને લઈને “ખૂબ સકારાત્મક અને દૃઢ” છે. ગયા મહિને, રાષ્ટ્રપતિ ટ્રમ્પે વ્હાઇટ હાઉસમાં એક ખાસ દીપાવલી કાર્યક્રમનું આયોજન કર્યું હતું. આ દરમિયાન તેમણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને એક મહાન વ્યક્તિ ગણાવ્યા અને કહ્યું કે તેમને ભારતના લોકો પ્રત્યે ખૂબ પ્રેમ છે.

આ કાર્યક્રમમાં ભારતના રાજદૂત વિનય ક્વોત્રા, સર્જિયો ગોર, એફબીઆઈ નિર્દેશક કાશ પટેલ અને રાષ્ટ્રીય ગુપ્તચર નિર્દેશક તુલસી ગબ્બાર્ડ સહિત ભારતીય મૂળના ઘણા મુખ્ય ઉદ્યોગપતિઓ પણ હાજર રહ્યા હતા. ટ્રમ્પે ઓવલ ઓફિસમાં દીવો પ્રગટાવ્યો અને તેને “અંધકાર પર પ્રકાશની જીતનું પ્રતીક” ગણાવ્યું. તેમણે ભારતના લોકોને દીપાવલીની હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી. લેવિટે એ પણ જણાવ્યું કે વ્યાપાર સંબંધિત મુદ્દાઓ પર પણ ટ્રમ્પ સરકાર અને ભારત વચ્ચે ગંભીર ચર્ચા ચાલુ છે. બંને દેશોની ટીમો આ વિષય પર સતત વાતચીત કરી રહી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે અમેરિકા અને ભારત વચ્ચેના વ્યાપારી સંબંધો તાજેતરમાં ઉતાર-ચઢાવ વાળા રહ્યા છે, જેમાં ટ્રમ્પ દ્વારા ભારત પર ટ્રેડ ટેરિફ (વેપાર શુલ્ક) લગાવવાથી લઈને રશિયા પાસેથી તેલ ખરીદવા અંગે બંને દેશોના વિવિધ દૃષ્ટિકોણ જેવી બાબતોનો સમાવેશ થાય છે.