
રાષ્ટ્રપતિ મુર્મુ હસ્તે ગુજરાતના 1330 કરોડના વિકાસ કામોના લોકાર્પણ અને શિલાન્યાસ કરાયો
ગાંધીનગરઃ રાષ્ટ્રપતિ બન્યા બાદ પ્રથમ વખત ગુજરાતની મુલાકાતે આવેલા શ્રીમતિ દ્રૌપદી મુર્મુએ ગુજરાતીમાં સંબોધનની શરૂઆત કરતાં કહ્યું હતું કે, ‘રાષ્ટ્રપતિ બન્યા પછી પહેલીવાર આપ સૌની વચ્ચે અહીં ગુજરાતમાં આવીને પ્રસન્નતાનો અનુભવ કરી રહી છું. ગાંધીનગરમાં નિર્માણાધીન સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ તેમજ 85 ટકા આદિજાતિ વસ્તી ધરાવતા નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે રૂ. 530 કરોડના ખર્ચે 540 બેડની નિર્માણ પામનાર જી.ઈ.એમ.ઈ.આર.એસ. મેડિકલ કોલેજ તથા હોસ્પિટલ શરૂ થવાથી સ્થાનિક નાગરિકોને આરોગ્ય સુવિધાઓનો તથા વિદ્યાર્થીઓને તબીબી શિક્ષણનો મહત્તમ લાભ મળશે
રાષ્ટ્રપતિએ તેમની ગુજરાતની મુલાકાત દરમિયાન ગાંધી આશ્રમના સંસ્મરણો વાગોળતા કહ્યું હતું કે, સાબરમતી આશ્રમમાં થોડો સમય વીતાવવાનો મોકો મળ્યો. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના જીવન અને આદર્શો માનવતા માટે આજે પણ એટલા જ પ્રાસંગિક છે. તેમણે કહ્યું હતું કે, ગુજરાતના વિકાસ સાથે સંકળાયેલી સ્વાસ્થ્ય અને તબીબી શિક્ષણ, પાણી પુરવઠા, રસ્તા, સિંચાઈ તથા બંદર વિકાસ જેવી વિવિધ પરિયોજનાઓના અમલીકરણથી ખેડૂતો અને નાના-મોટા વ્યાપારીઓને રોજગારી સહિતની બહુવિધ તકો ઉપલબ્ધ થશે.
શ્રીમતિ મુર્મુએ કહ્યું હતું કે, ગાંધીનગરમાં નિર્માણાધીન સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ તેમજ 85 ટકા આદિજાતિ વસ્તી ધરાવતા નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે રૂ. 530 કરોડના ખર્ચે 540 બેડની નિર્માણ પામનાર જી.ઈ.એમ.ઈ.આર.એસ. મેડિકલ કોલેજ તથા હોસ્પિટલ શરૂ થવાથી સ્થાનિક નાગરિકોને આરોગ્ય સુવિધાઓનો તથા વિદ્યાર્થીઓને તબીબી શિક્ષણનો મહત્તમ લાભ મળશે. તેમણે કહ્યું હતું કે, સ્વાસ્થ્ય ક્ષેત્રે ગુજરાતે ખૂબ મોટી સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે. ગર્ભવતી મહિલાઓની વિશેષ કાળજી માટે સ્વાસ્થ્ય કાર્ડ આપનાર ગુજરાત પ્રથમ રાજ્ય છે. ગુજરાતમાં કોવિડ વેક્સિનના 12 કરોડથી વધુ ડોઝ આપવામાં આવ્યાં છે. આ ઉપરાંત, ગુજરાતના જામનગરમાં વિશ્વનું પ્રથમ WHO ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિન આકાર લઈ રહ્યું છે, જે વિશ્વમાં પરંપરાગત ચિકિત્સા અને દવાઓ માટે માર્ગદર્શન આપશે.
રાષ્ટ્રપતિએ કહ્યું હતું કે, નીતિ આયોગના 2020-21ના ટકાઉ વૈશ્વિક લક્ષ્યાંક અંતર્ગત ‘ગોલ નં.3-આરોગ્ય અને સુખાકારી’ અંતર્ગત ગુજરાતે સમગ્ર દેશમાં પ્રથમ ક્રમ હાંસલ કર્યો છે. ગુજરાતે ઔદ્યોગિક વિકાસની સાથે સાથે પ્રાકૃતિક ખેતીને પણ વિશેષ મહત્વ આપ્યું છે. ગુજરાતના સફળ પ્રાકૃતિક કૃષિ પ્રયોગોનો ભારતભરમાં અમલ કરવામાં આવે છે. પ્રાકૃતિક ખેતીના વિકાસમાં ગુજરાતની સાથે સમગ્ર દેશ જોડાયો છે. દેશની પાંચ ટકા વસતિ ધરાવતા ગુજરાતના ખેડૂતો આજે દેશના કુલ રાષ્ટ્રીય કૃષિ ઉત્પાદનમાં 20 ટકા જેટલો ફાળો આપી રહ્યાં છે. સામાજિક અને આર્થિક વિકાસ માટે જળ સુરક્ષા જરૂરી છે તેમ જણાવી તેમણે કહ્યું હતું કે, અગાઉ ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં પાણીની તંગી હતી, પરંતુ યોગ્ય જળ વ્યવસ્થાપનના કારણે આજે સરદાર સરોવર કેનાલના 63 હજાર કિલોમીટરના વિશાળ નેટવર્ક દ્વારા રાજ્યના ખૂણે ખૂણે પીવાનું અને સિંચાઈનું પાણી પહોંચ્યું છે. જેના પરિણામે ખેડૂતો સહિત લાખો ગુજરાતીઓના જીવનમાં પરિવર્તન આવ્યું છે. નીતિ આયોગના ‘કમ્પોઝિટ વૉટર મેનેજમેન્ટ ઇન્ડેક્સ’માં છેલ્લા ત્રણ વર્ષથી જળ વ્યવસ્થાપનમાં પ્રથમ ક્રમ મેળવી રહ્યું છે. કેન્દ્ર સરકાર દ્વારા સંચાલિત દીન દયાલ પોર્ટ ઓથોરિટી, કંડલા મહાબંદર પર વિકાસના વિવિધ પ્રકલ્પોનો શિલાન્યાસ કરવામાં આવ્યો છે. આ નવીન પ્રકલ્પોથી કંડલા મહાબંદરની ક્ષમતામાં વધારો થશે અને આ વિસ્તારના વિકાસને વધુ વગે મળશે. દેશના કુલ પોર્ટ કાર્ગો પરિવહનનમાં ગુજરાતના બંદરો 40 ટકા હિસ્સો ધરાવે છે. રાષ્ટ્રપતિશ્રીએ વિકાસની નવીન પરિયોજનાઓ માટે સૌને અભિનંદન આપ્યાં હતાં.
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે સંબોધન કરતા જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર નાગરિકોને જનસુખાકારીના લાભો સત્વરે વધુને વધુ મળી રહે તે માટે સતત પ્રયત્નશીલ છે ત્યારે રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રોપદી મુર્મુના હસ્તે આજે આરોગ્ય, પાણી, બંદરો અને જળવ્યવસ્થાપન ક્ષેત્રે થયેલા વિવિધ પ્રક્લ્પોના ખાતમુહૂર્ત-લોકાર્પણ ગુજરાત માટે વિકાસના નવા દ્વાર ખોલશે.
આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, દ્રૌપદી મુર્મુજીએ રાષ્ટ્રપતિ પદનો કાર્યભાર સંભાળ્યા પછી ગુજરાતની તેમની પહેલી જ મુલાકાતમાં રૂપિયા 1330 કરોડના વિકાસ કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્તના કર્યા છે, તે ગુજરાત માટે ગૌરવની વાત છે.