- રાષ્ટ્રપતિની થઇ શકે છે બાયપાસ સર્જરી
- આજે AIIMS ખાતે થઇ શકે છે સર્જરી
- છાતીના દુખાવા બાદ થયા હતા દાખલ
- ૩ માર્ચે લગાવી હતી કોરોના વેકસીન
દિલ્લી: રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદની આજે એઇમ્સમાં બાયપાસ સર્જરી થઇ શકે છે. હાલમાં જ તેમને એઈમ્સ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જેના પછી કહેવામાં આવ્યું હતું કે મંગળવારે એટલે કે આજે તેઓ બાયપાસ પ્રક્રિયામાંથી પસાર થઇ શકે છે.
છાતીમાં દુખાવાની ફરિયાદ બાદ શુક્રવારે રાષ્ટ્રપતિ કોવિંદને આર્મી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આર્મી હોસ્પિટલના જણાવ્યા મુજબ, હાલમાં તેની તબિયત સ્થિર છે. ભારતીય સેનાના રીસર્ચ એન્ડ રેફરલ હોસ્પિટલે એક નિવેદનમાં જણાવ્યું હતું કે,તેઓને વધુ તપાસ માટે દિલ્હીના એઈમ્સ મોકલવામાં આવ્યા છે. 27 માર્ચના બપોરે તેમને એઈમ્સ ખસેડાયા હતા.
રાષ્ટ્રપતિ કોવિંદની તબિયત લથડ્યા પછી શુક્રવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમની બે દિવસીય બાંગ્લાદેશ મુલાકાત દરમિયાન તેમની તબિયત વિશે માહિતી લીધી હતી. અને જલ્દીથી તેમની સ્વસ્થતાની શુભેચ્છા પાઠવી હતી. વડાપ્રધાન કાર્યાલય દ્વારા જારી કરાયેલા એક ટવિટ મુજબ મોદીએ કહ્યું કે, તેમણે રાષ્ટ્રપતિના પુત્ર સાથે વાત કરી. તેના સ્વાસ્થ્ય વિશે માહિતી લીધી અને તેને જલ્દી સ્વસ્થ થવાની કામના કરી.
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે હાલમાં જ કોરોના વેક્સીન લગાવી હતી. રાષ્ટ્રપતિએ વેક્સીનનો પ્રથમ ડોઝ આર્મી હોસ્પિટલમાં જ લીધો હતો. તે પુત્રી સાથે હોસ્પિટલ પહોંચ્યા હતા. વેક્સીન લીધા બાદ તેમણે આરોગ્ય કર્મચારીઓનો આભાર માન્યો અને યોગ્ય લોકોને કોરોના વેક્સીન લગાવવા અપીલ કરી હતી. આ સાથે જ તેમણે સૌથી મોટા રસીકરણ અભિયાનને સફળતાપૂર્વક અમલમાં મૂકવા બદલ તેમણે તમામ ડોકટરો, નર્સો, આરોગ્ય કાર્યકરો અને સંચાલકોનો આભાર માન્યો હતો.
-દેવાંશી