
નવી દિલ્હીઃ દેશના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદજીનો કાર્યકાળ આગામી દિવોસમાં પૂર્ણ થઈ રહ્યો છે જેથી રાષ્ટ્રપતિની ચૂંટણી યોજાશે. જેથી વિપક્ષ દ્વારા રાષ્ટ્રપતિના ઉમેદવારની પસંદગીને લઈને બેઠકનો દોર શરૂ કરવામાં આવ્યો છે. બીજી તરફ ભાજપ દ્વારા રાષ્ટ્રપતિના ઉમેદવારની પસંદગીને લઈને કવાયત શરૂ કરવામાં આવી છે. દરમિયાન ભાજપના સિનિયર મંત્રી રાજનાથસિંહે વિપક્ષના નેતાઓનો ટેલિફોનિક સંપર્ક કરીને રાષ્ટ્રપતિની ચૂંટણીને ચર્ચા કરી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર ભાજપના વરિષ્ઠ નેતા રાજનાથસિંહે રાષ્ટ્રપતિની ચૂંટણી અંગે રાજ્યસભાના વિપક્ષી નેતા મલ્લિકાર્જુન ખડગે, પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી અને તૃણમૂલ કોંગ્રેસના નેતા મમતા બેનરજી, સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવ અને એનસીપીના પ્રમુખ શરદ પવાર તથા બહુજન સમાજવાદી પાર્ટીના પ્રમુખ માયાવતી સાથે પણ ફોનમાં વાતચીત કરી હતી. તેમજ રાજનાથસિંહે એનડીએના સાથી પક્ષ જેડીયુનો પણ સંપર્ક કર્યો હતો. તેમણે નવીન પટનાયક સાથે પણ ફોનમાં વાતચીત કરી. રાષ્ટ્રપતિની ચૂંટણીમાં વિપક્ષ અને સત્તા પક્ષ બંને સહમત હોય તેવા ઉમેદવારને ઊભા રાખવા વિશે ચર્ચા થઈ હોવાનું જાણવા મળે છે.
ભાજપે હજુ પોતાનો ઉમેદવાર ઘોષિત કર્યો નથી. તે ભાજપના નેતાઓ, સાથી પક્ષો અને વિરોધ પક્ષોનું મન જાણ્યા પછી છેલ્લી ઘડીએ હુકમનો એક્કો કાઢશે એવું માનવામાં આવી રહ્યું છે. અત્યાર સુધીમાં 11 ઉમેદવારોએ રાષ્ટ્રપતિની ચૂંટણી માટે ફોર્મ ભર્યાં છે. તેમાંથી એક ફોર્મ રદ થયું છે. આગામી દિવસોમાં ભાજપ અને વિપક્ષ દ્વારા ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે. રાષ્ટ્રપતિની ચૂંટણી રસાકસી ભરી રહેવાની શકયતા છે.