Site icon Revoi.in

વડાપ્રધાન મોદી વડોદરા આવી પહોચ્યા, ખરાબ હવામાનને લીધે રોડ માર્ગે કેવડિયા જવા રવાના

Social Share

વડોદરાઃ કેવડિયા સ્થિત સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે 31 ઓક્ટોબરના રોજ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતી નિમિત્તે યોજાનારા રાષ્ટ્રીય એકતા દિવસની ઊજવણીના કાર્યક્રમમાં ભાગ લેવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે 4 વાગ્યે વડોદરા એરપોર્ટ પર આવી પહોંચતા વડાપ્રધાન મોદીનું ભાવભીનુ સ્વાગત કરવામાં આવ્યું હતું, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, વડોદરાના મેયર તેમજ ભાજપના અગ્રણીઓ અને પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા મોદીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. મોદી હેલિકોપ્ટર મારફત સ્ટેચ્યુ ઑફ યુનિટી પહોંચવાના હતા. પરંતુ, સતત વરસતા વરસાદ અને ખરાબ હવામાનને લીધે તેમણે હવે રોડ માર્ગે કેવડિયા જવા રવાના થયા હતા.

કેવડિયા સ્થિત સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે 31 ઓક્ટોબરના રોજ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતી નિમિત્તે યોજાનાર રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીના કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી બે દિવસ ઉપસ્થિત રહેશે. વડાપ્રધાનની આ બે દિવસીય મુલાકાત કેવડિયાને વિકાસની નવી ભેટ આપવાની સાથે રાષ્ટ્રીય એકતાના સંદેશને વધુ મજબૂત બનાવશે. બીજી તરફ SOU વિસ્તારમાં સવારથી વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે આ બે દિવસના કાર્યક્રમની તૈયારીઓમાં વિઘ્ન ઉભું થયું છે.

કેવડિયા અને આસપાસના વિસ્તારમાં પ્રવર્તતા ખરાબ હવામાન અને વરસાદી માહોલને કારણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રવાસ કાર્યક્રમમાં ફેરફાર કરવામાં આવ્યો છે. વડોદરા એરપોર્ટ પર ઉતરાણ બાદ તેઓ હેલિકોપ્ટર દ્વારા કેવડિયા જવાના હતા, પરંતુ હવામાનની પ્રતિકૂળતાને લીધે હવે વડાપ્રધાન બાય રોડ કેવડિયા જવા માટે રવાના થયા છે.

વડોદરા એરપોર્ટ પરથી વડાપ્રધાનનો કાફલો નીકળ્યો તે પૂર્વે જ સુરક્ષાના ભાગરૂપે માર્ગના બંને તરફના રોડ બંધ કરી દેવામાં આવ્યા હતા અને ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રોડ માર્ગે કેવડિયા પહોંચીને નિર્ધારિત કાર્યક્રમ મુજબ ₹1220 કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે.

વડાપ્રધાન કાલે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં ભાગ લેશે અને સરદાર વલ્લભભાઈ પટેલને પુષ્પાંજલિ અર્પણ કરશે. ત્યારબાદ એકતા દિવસ પરેડ થશે. પરેડમાં વિવિધ રાજ્ય પોલીસ દળો સાથે BSF, CRPF, CISF, ITBP અને SSBની કન્ટીજન્ટ સામેલ રહેશે. જેમાં આ વર્ષે મુખ્ય આકર્ષણોમાં રામપુર શિકારી શ્વાનો અને મુધોલ શિકારી શ્વાનો જેવા ભારતીય જાતિના શ્વાનનો સમાવેશ કરતી BSF માર્ચિંગ કન્ટીજન્ટ, ગુજરાત પોલીસના ઘોડાની કન્ટીજન્ટ, આસામ પોલીસનો મોટરસાયકલ ડેરડેવિલ શૉ અને BSFનો કેમલ કન્ટીજન્ટ અને કેમલ માઉન્ટેડ બેન્ડનો સમાવેશ થાય છે.

પરેડમાં CRPFના પાંચ શૌર્ય ચક્ર પુરસ્કાર વિજેતાઓ અને ઝારખંડમાં નક્સલ વિરોધી કામગીરી અને જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદ વિરોધી કામગીરીમાં અસાધારણ હિંમત દર્શાવનારા BSFના સોળ શૌર્ય ચંદ્રક વિજેતાઓનું પણ સન્માન કરવામાં આવશે. ઓપરેશન સિંદૂર દરમિયાન BSFના જવાનોને તેમની બહાદુરી માટે પણ સન્માનિત કરવામાં આવશે.