નવી દિલ્હી, 04 સપ્ટેમ્બર 2026: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ GSLV-F17 ના સફળ પ્રક્ષેપણ બદલ ISRO ને અભિનંદન પાઠવ્યા છે. મોદીએ જણાવ્યું હતું કે આ સફળતા ભારતનાં અવકાશ ક્ષેત્રની શ્રેષ્ઠતા, નવીનતા અને વધતી જતી ક્ષમતાઓને પ્રતિબિંબિત કરે છે. તેમણે નોંધ્યું હતું કે ISRO અને ભારતીય ઉદ્યોગ વચ્ચેની વિસ્તરતી ભાગીદારી દેશના અવકાશ કાર્યક્રમને નવી તાકાત અને વ્યાપ પૂરો પાડી રહી છે. વડાપ્રધાને આને ISRO માટે એક ભવ્ય સિદ્ધિ અને રાષ્ટ્ર માટે ગૌરવની ક્ષણ ગણાવી હતી.
વિજ્ઞાન અને ટેક્નોલોજી મંત્રી ડૉ. જીતેન્દ્ર સિંહે EOS-05 ને લઈ જતા GSLV-F17 ના સફળ પ્રક્ષેપણની પ્રશંસા કરી છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં ડૉ. સિંહે જણાવ્યું હતું કે EOS-05 એ અત્યાધુનિક પૃથ્વી અવલોકન ઉપગ્રહ છે અને જીઓસિંક્રનસ ભ્રમણકક્ષામાં પ્રક્ષેપિત કરાયેલો ભારતનો પ્રથમ ઇમેજિંગ ઉપગ્રહ છે. આ ઉપગ્રહ વિઝિબલ (દ્રશ્યમાન), ઇન્ફ્રારેડ, મલ્ટિ-સ્પેક્ટ્રલ અને હાઇપર-સ્પેક્ટ્રલ બેન્ડ્સમાં તસવીરો લેવા માટે સક્ષમ છે.
ડૉ. સિંહે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દૂરદર્શી નેતૃત્વ હેઠળ ભારતની અવકાશ ક્ષમતાઓ સતત નવી ઊંચાઈઓ સર કરી રહી છે, જેનાથી વૈશ્વિક અવકાશ શક્તિ તરીકે દેશનું સ્થાન વધુ મજબૂત બની રહ્યું છે.
વધુ વાંચો: ISRO એ આંધ્રપ્રદેશના શ્રીહરિકોટાથી પૃથ્વી અવલોકન ઉપગ્રહ EOS-05 નું સફળતાપૂર્વક પ્રક્ષેપણ કર્યું


