Site icon Revoi.in

વડોદરામાં કાલે સોમવારે વડાપ્રધાન મોદીનું આગમન, શહેરને નવોઢાની જેમ શણગારાયુ

Social Share

વડોદરાઃ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સ્પેનનાં વડાપ્રધાન પેડ્રો સાન્ચેઝ આવતી કાલે વડોદરાની મુલાકાતે આવી રહ્યા હોવાથી બન્ને મહાનુભાવોના સ્વાગત માટે ધૂમ તૈયારીઓ ચાલી રહી છે. આજે  એરપોર્ટથી લઇ કાર્યક્રમ સ્થળ ટાટા એડવાન્સ સિસ્ટમ એરક્રાફ્ટ કોમ્પલેક્ષ સુધી  પોલીસ દ્વારા ગ્રાન્ડ રિહર્સલનું આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં 70 જેટલી ગાડીનો કાફલો એક સાથે જોવા મળ્યો હતો. બન્ને દેશોના પીએમના આગમનને લીધે વડોદરા શહેરના માર્ગોને નવોઢાની જેમ શણગાર કરવામાં આવ્યો છે.

પ્રકાશનું પર્વ ગણાતા દીપાવલી પર્વને આડે હવે બે-ત્રણ દિવસ બાકી રહ્યા છે. ત્યારે કાલે તારીખ 28 ઓક્ટોબરના રોજ ટાટા એડવાન્સ્ડ સિસ્ટમ લિમિટેડની ફાઇનલ એસેમ્બલી લાઇનના લોકાર્પણ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સ્પેનના વડાપ્રધાન પેડ્રો સાન્ચેઝ વડોદરા આવી રહ્યા છે. આ બન્ને મહાનુભાવોના આગમનને લીધે તંત્ર દ્વારા છેલ્લા ઘણા સમયથી તૈયારીઓ ચાલી રહી હતી. બન્ને મહાનુભાવોના સ્વાગતને લઇને સમગ્ર શહેર ભવ્યાતિભવ્ય રોશનીથી ઝળહળી ઉઠ્યું છે. જેથી બરોડીયન્સ માટે 5 દિવસ પહેલાં દિવાળી હોય તેવો માહોલ જામ્યો છે. શહેરીજનો ભવ્ય રોશનીને નિહાળવા માટે અને ફોટોગ્રાફી કરવા માટે ઉમટી રહ્યા છે. શહેર માટે ઐતિહાસિક અને અવિસ્મરણીય બનનારી ઘટનાને લઇને શહેરીજનોમાં પણ અભૂતપૂર્વ ઉત્સાહ અને અનેરો ઉમંગ જોવા મળી રહ્યો છે.

વડોદરા જિલ્લા વહીવટી તંત્ર, વડોદરા મ્યુનિ. કોર્પોરેશન, શહેર પોલીસ તંત્ર અને સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા બે દેશોના વડાપ્રધાનોને આવકારવામાં કોઇપણ જાતની કચાસ રહી ન જાય તે રીતે શહેરને શણગારી દેવામાં આવ્યું છે. જેમાં ખાસ કરીને વડોદરા મ્યુનિ. કોર્પોરેશન દ્વારા લક્ષ્મી વિલાસ પેલેસથી લઇને ટાટા એરક્રાફ્ટના યુનિટ સ્થળ સુધીના માર્ગને અત્યાધુનિક ટેક્નોલોજીવાળી ભવ્યાતિભવ્ય રંગબેરંગી રોશનીથી શણગારી દેવામાં આવ્યો છે. શહેરના મુખ્ય માર્ગો, શહેરના માર્ગોની બંને સાઇટો તેમજ લક્ષ્મી વિલાસ પેલેસથી ટાટા એરક્રાફ્ટ યુનિટ સુધીના માર્ગોમાં આવતાં તમામ સર્કલોને ભવ્ય રોશનીથી ઝળહળા કરી દેવામાં આવ્યાં છે. પ્રકાશ પર્વ દીપાવલી પૂર્વે જ વડોદરા શહેર રોશનીથી ઝળહળી ઊઠ્યું છે. મન મોહી લે તેવી કરવામાં આવેલી રોશનીને નિહાળવા માટે શહેરના ખૂણે ખૂણામાંથી લોકો લક્ષ્મી વિલાસ પેલેસથી લઇને ટાટા એરક્રાફ્ટ યુનિટ સુધીના માર્ગો ઉપર ઊમટી પડ્યા છે અને પોતાના મોબાઇલ ફોનના કેમેરામાં ભવ્ય રોશનીને કંડારી રહ્યા છે. તો કેટલાક લોકો દ્વારા ભવ્ય રોશનીને મોબાઇલ ફોનના કેમેરા દ્વારા કંડારીને પોતાના સોશિયલ મીડિયા પેજ ઉપર પણ પોસ્ટ કરી રહ્યા છે. તો કેટલાક લોકો દ્વારા સર્કલો ઉપર કરાયેલી ભવ્ય રોશની પાસે ઊભા રહીને સેલ્ફી પણ લઈ રહ્યા છે.

Exit mobile version