Site icon Revoi.in

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુરુવારે ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડની મુલાકાત લેશે

Social Share

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 11 સપ્ટેમ્બરના રોજ ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડની મુલાકાત લેશે. વારાણસીમાં સવારે 11:30 વાગ્યે પ્રધાનમંત્રી મોરેશિયસના પ્રધાનમંત્રી મહામહિમ ડૉ. નવીનચંદ્ર રામગુલામનું સ્વાગત કરશે, જેઓ 9 થી 16 સપ્ટેમ્બર 2025 દરમિયાન ભારતની રાજકીય યાત્રા પર છે. ત્યારબાદ પ્રધાનમંત્રી દેહરાદૂન જશે અને સાંજે 4:15 વાગ્યે ઉત્તરાખંડના પૂરગ્રસ્ત વિસ્તારોનું હવાઈ સર્વેક્ષણ કરશે. સાંજે 5 વાગ્યે પ્રધાનમંત્રી અધિકારીઓ સાથે ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠકની અધ્યક્ષતા કરશે.

ઐતિહાસિક શહેર વારાણસીમાં બંને નેતાઓ વચ્ચેની આ મુલાકાત ભારત અને મોરેશિયસ વચ્ચેના ખાસ અને અનોખા સંબંધોને આકાર આપનારા કાયમી સભ્યતા સંબંધો, આધ્યાત્મિક બંધનો અને લોકો વચ્ચેના ઊંડા સંબંધો પર ભાર મૂકે છે. દ્વિપક્ષીય ચર્ચા દરમિયાન, બંને નેતાઓ સહકારના સમગ્ર ક્ષેત્રની સમીક્ષા કરશે જેમાં વિકાસ ભાગીદારી અને ક્ષમતા નિર્માણ પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. તેઓ આરોગ્ય, શિક્ષણ, વિજ્ઞાન અને ટેકનોલોજી, ઉર્જા, માળખાગત સુવિધા, તેમજ નવીનીકરણીય ઉર્જા, ડિજિટલ જાહેર માળખાગત સુવિધા અને વાદળી અર્થતંત્ર જેવા ઉભરતા ક્ષેત્રોમાં સહયોગ વધારવાની તકો પર પણ ચર્ચા કરશે. આ મુલાકાત માર્ચ 2025માં પ્રધાનમંત્રી મોદીની મોરેશિયસની રાજકીય મુલાકાતથી  આવેલ સકારાત્મક ગતિને વધુ મજબૂત બનાવશે, જે દરમિયાન બંને નેતાઓએ દ્વિપક્ષીય સંબંધોને ‘એડવાન્સ્ડ સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ’ના સ્તરે ઉન્નત કર્યા હતા.

હિંદ મહાસાગર ક્ષેત્રમાં એક મૂલ્યવાન ભાગીદાર અને નજીકના દરિયાઈ પાડોશી તરીકે, મોરેશિયસ ભારતના MAHASAGAR (મ્યુચલ ઍન્ડ હોલિસ્ટિક ઍડવાન્સમેન્ટ ફોર સિક્યોરીટી ઍન્ડ ગ્રોથ અક્રોસ રિજિન) દ્રષ્ટિકોણ અને ‘પડોશી પ્રથમ’ નીતિ માટે મહત્વપૂર્ણ છે. બંને દેશો વચ્ચે સહકારને ગાઢ બનાવવો એ ફક્ત બંને દેશોના લોકોની સમૃદ્ધિ માટે જ નહીં, પરંતુ વૈશ્વિક દક્ષિણની સામૂહિક આકાંક્ષાઓ માટે પણ મહત્વપૂર્ણ છે. વારાણસી સમિટ ભારત અને મોરેશિયસની પરસ્પર સમૃદ્ધિ, સતત વિકાસ અને સુરક્ષિત અને સમાવિષ્ટ ભવિષ્ય તરફની સહિયારી યાત્રામાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ સાબિત થશે.

Exit mobile version