અમદાવાદ, 12 જાન્યુઆરી 2026: વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમના ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસને પૂર્ણ કરી અમદાવાદ એરપોર્ટ ખાતેથી નવી દિલ્હી જવા રવાના થયા હતા. એરપોર્ટ પર વડાપ્રધાનને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સહિત મહાનુભાવોએ ભાવસભર વિદાય આપી હતી.
આ પ્રસંગે મુખ્ય સચિવ એમ.કે. દાસ, રાજકીય અગ્રણી જગદીશ વિશ્વકર્મા, અમદાવાદનાં મેયર શ્રીમતી પ્રતિભાબહેન જૈન ,એર માર્શલ તેજેન્દ્ર સિંઘ, અધિક મુખ્ય સચિવ ડૉ. અંજુ શર્મા, રાજ્યના ઇન્ચાર્જ ડીજીપી કે. એલ એન. રાવ, અમદાવાદ પોલીસ કમિશનર જી.એસ. મલિક, ચીફ પ્રોટોકોલ ઓફિસર જલવંત ત્રિવેદી, અમદાવાદ જિલ્લા કલેક્ટર સુજીત કુમાર સહિતના ઉચ્ચ અધિકારીઓ, પદાધિકારીઓ ઉપસ્થિત મહાનુભાવોએ વડાપ્રધાનને ભાવસભર વિદાય આપી હતી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસનો આજે છેલ્લો દિવસ છે. ત્યારે તેઓ ગાંધી આશ્રમની મુલાકાતે જર્મનીના ચાન્સેલર સાથે પહોંચ્યા હતા. ત્યાર બાદ આંતરરાષ્ટ્રીય કાઈટ ફેસ્ટિવલની મુલાકાત લીધી હતી. પીએમ નરેન્દ્ર મોદીએ અમદાવાદ રિવર ફ્રન્ટ ખાતે ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલ 2026 નો શુભારંભ કરાવ્યો. જર્મન ચાન્સલર ફેડરિક મર્જ પણ ઉપસ્થિત રહ્યા. 50 દેશોના 135 થી વધુ વિદેશી મહેમાનો અને ભારતના 13 રાજ્યોના 65 જ્યારે ગુજરાતના 16 જિલ્લાઓના 871 પતંગબાજોએ આંતરરાષ્ટ્રીય પતંગોત્સવમાં ભાગ લીધો હતો. ભારતના વડાપ્રધાનના આગમનને લઇ વિદેશી મહેમાનો પણ ઉત્સાહમાં જોવા મળ્યા.ઇન્ડોનેશિયાના પતંગબાજોની અનોખી રીતે વડાપ્રધાનને શુભેચ્છા પાઠવી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ચહેરાનું ચિત્ર પતંગ ઉપર કંડાર્યું કર્યું હતું.

