
રાંચીમાં પાર્ટીના પ્રચારમાં પ્રિયંકા ગાંધીનો જોવા મળ્યો હળવો અંદાજ, મહિલા ઉમેદવાર પણ હસી પડ્યા
લોકસભા ચૂંટણી 2024ના પાંચ તબક્કા માટે મતદાન થઈ ગયું છે. હવે 25 મેના રોજ યોજાનાર છઠ્ઠા તબક્કાના મતદાન માટે રાજકીય પક્ષોએ તેમની તમામ તાકાત લગાવી દીધી છે. કોંગ્રેસ અને ભાજપના નેતાઓ દેશના જુદા જુદા વિસ્તારોમાં સતત ચૂંટણી સભાઓ કરી રહ્યા છે. નેતાઓના ભાષણ દરમિયાન સ્ટેજ પર ઘણી રસપ્રદ ઘટનાઓ પણ જોવા મળી રહી છે.
આવો જ એક રસપ્રદ કિસ્સો બુધવારે ઝારખંડના રાંચીમાં યોજાયેલી પ્રિયંકા ગાંધીની જાહેર સભામાં જોવા મળ્યો હતો.
લોકોને સંબોધિત કરતી વખતે પ્રિયંકા ગાંધીએ મંચ પર હાજર રાંચીથી કોંગ્રેસના ઉમેદવારનો ઉલ્લેખ કર્યો અને તેમની ઉંમર જણાવી. જોકે, પ્રિયંકા ગાંધીએ તરત જ ઉમેદવારની માફી માંગી હતી અને કહ્યું હતું કે તમારી ઉંમર જણાવવા બદલ હું દિલગીર છું.
ભાષણના અંતે સ્ટેજ પર શું થયું?
કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી ચૂંટણી પ્રચાર માટે બુધવારે ઝારખંડ પહોંચ્યા હતા. પહેલા તેમણે ગોડ્ડામાં એક જનસભાને સંબોધિત કરી. આ પછી તે રાંચી પહોંચ્યા હતા..રાંચીમાં ભાષણના અંતે પ્રિયંકા ગાંધીએ રાંચીથી કોંગ્રેસના ઉમેદવાર યશસ્વિની સહાયને પોતાની પાસે બોલાવ્યા. આ પછી, યશસ્વિનીનો લોકો સાથે પરિચય કરાવતા તેમણે કહ્યું કે મને ખુશી છે કે અમારી ઉમેદવાર એક મહિલા છે અને તે માત્ર 27 વર્ષની છે. તેમની ઉંમર જણાવ્યા બાદ પ્રિયંકાએ તેમની માફી માંગી અને કહ્યું કે મને માફ કરશો મેં તમારી ઉંમર બધાને જણાવી દીધી. પ્રિયંકાની માફી સાંભળીને યશસ્વિની સહાય પણ હસવા લાગ્યા હતા.
કોણ છે યશસ્વિની સહાય?
યશસ્વિની સહાય ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા સુબોધકાંત સહાયની પુત્રી છે. યશસ્વિનીએ મુંબઈથી LLB અને ઈટાલીમાંથી LLMની ડિગ્રી મેળવી છે. તે મુંબઈમાં કાયદાની પ્રેક્ટિસ કરે છે. આ સિવાય તે એક NGO માટે પણ કામ કરી રહી છે.
ભાજપ અને વડાપ્રધાન મોદી પર સાધ્યું નિશાન
દરમ્યાન પ્રિયંકા ગાંધીએ પીએમ નરેન્દ્ર મોદી પર જોરદાર નિશાન સાધ્યું
તેમણે ભાજપની નીતિઓ, છેલ્લા 10 વર્ષથી વધી રહેલી મોંઘવારી અને બેરોજગારીનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે લોકોની સામે કોંગ્રેસના મેનિફેસ્ટોનો ઉલ્લેખ કર્યો.