1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગુજરાતનું કદાચ પ્રથમ દંત જ્ઞાન સમૃદ્ધ સંગ્રહાલય વડોદરામાં, દાંતને લઈને 4 હજાર વસ્તુઓનો સંગ્રહ
ગુજરાતનું કદાચ પ્રથમ દંત જ્ઞાન સમૃદ્ધ સંગ્રહાલય વડોદરામાં, દાંતને લઈને 4 હજાર વસ્તુઓનો સંગ્રહ

ગુજરાતનું કદાચ પ્રથમ દંત જ્ઞાન સમૃદ્ધ સંગ્રહાલય વડોદરામાં, દાંતને લઈને 4 હજાર વસ્તુઓનો સંગ્રહ

0
Social Share

આરોગ્ય અને શરીરની જાળવણીમાં દાંતની ઘણી અગત્યતા છે. પરંતુ આ 32 આરોગ્ય રક્ષકોની અગત્યતા અને તેમની કાળજી લેવાની જરૂરિયાતની જાણકારી લોકોમાં બહુધા ખૂબ ઓછી છે. દાંતની સંખ્યા 32 હોય કે દુધિયા દાંત પડી જાય પછી નવા અને કાયમી દાંત આવે, એવી પ્રાથમિક સિવાય ભાગ્યેજ કોઈ માહિતી આપણી પાસે હોય. જ્યારે દાંત હલે કે ભારે વેદના ના આપે ત્યાં સુધી આપણે ભાગ્યેજ એની કાળજી લઈએ છે. પરિણામે યોગ્ય કાળજી લઈને નિવારી શકાય એવા દાંતના રોગોનું પ્રમાણ અને દાંતની મોંઘી સારવારનું આર્થિક ભારણ વધતું જાય છે.

આ સંજોગોમાં વડોદરાના દંત ચિકિત્સક ડો.યોગેશ ચંદારાણા અને ડો.પ્રણવએ દાંત ને લગતી,ચિકિત્સાને લગતી, તેના ઇતિહાસ અને ભૂતકાળને લગતી, દાંતની કાળજી ને લગતી સાધન સામગ્રી એકત્ર કરીને, અંદાજે 4 હજાર થી વધુ નમૂનાઓ પ્રદર્શિત કરતું, દંત જ્ઞાન સમૃદ્ધ સંગ્રહાલય બનાવ્યું છે. કદાચ ગુજરાતનું અને દેશનું આ એકમાત્ર ખાનગી દંત સંગ્રહાલય છે. તાજેતરમાં ડો.ચંદારાણા ડેન્ટલ મ્યુઝિયમ નો સાતમા વર્ષમાં પ્રવેશ થયો છે. સ્થાપક ડો.યોગેશ કહે છે આ વર્ષો દરમિયાન 20 હજાર થી વધુ વિદ્યાર્થીઓ અને જીજ્ઞાસુઓ એ આ સંગ્રહાલય નિહાળ્યું છે. માનવ ઉત્ક્રાંતિના છેલ્લા 10 હજાર વર્ષ દરમિયાન માણસના જડબાના કદમાં અને તેને સુસંગત દાંતની સંખ્યામાં ઘટાડો થયો છે.

દર બે હજાર વર્ષે જડબા સંકોચાય છે અને દાંતની સંખ્યા ઘટે છે. આપણે જ્યારે માતાના ગર્ભાશયમાં ટૂંટિયું વાળીને બચ્ચા તરીકે આરામ ફરમાવતા હોય ત્યાર થી પેઢા નીચે દાંત બનવાની શરૂઆત થાય છે અને જન્મ પછી 6 થી 7 મહિને આ છુપા રુસ્તમો પેઢાનું આવરણ તોડીને પ્રગટ થાય છે. આ પ્રક્રિયા બાળકને વેદના આપનારી હોવાથી અંગ્રેજીમાં ટીથીંગ ટ્રબલ જેવી ઉકિત પ્રચલિત બની છે. ઉપલબ્ધ દસ્તાવેજી પુરાવા ને આધારે હોશી રે ને જગતનો પ્રથમ દંત ચિકિત્સક ગણવામાં આવે છે. ભારતની વાત કરીએ તો અંદાજે 2500 વર્ષ પૂર્વે થઈ ગયેલા અને શલ્ય ચિકિત્સા( સર્જરી) ના જનક મુનિ સુશ્રુત દાંતની સારવાર અને શસ્ત્રક્રિયા કરતાં હતાં એવા ઉલ્લેખો મળે છે.

જગતમાં અન્ય જગ્યાઓએ દાંતની સફાઈ માટે ટૂથ બ્રશ શોધાયા પણ ભારતમાં તો પ્રાચીન કાળથી બાવળ, લીમડા, કણજી કે વડ જેવા વૃક્ષોની ડાળીઓ નો દાતણ તરીકે  અને એની ચિરનો જીભની સફાઈ માટે ઉલ તરીકે ઉપયોગ થતો.વિશ્વના અન્ય ભાગોમાં પ્રચલિત નિર્જીવ ટૂથ બ્રશ કોઈ વધારાનો લાભ ન આપતાં પરંતુ આપણા સજીવ દાતણ વનસ્પતિના દાંત ની રક્ષા કરનારા ઔષધીય ગુણોનો પણ લાભ આપતાં.

દાંત,દાંતની સારવાર અને દાંતના તબીબોને વિશ્વની ટપાલ ટિકિટો અને ડાક સાહિત્યમાં પણ સ્થાન મળ્યું છે.ચલણી સિક્કા પર પણ દાંત કોતરાયલા છે.તમાકુ સહિત દાંતના જાની દુશ્મનો જેવા વિવિધ વ્યસનો છે. ડો.પ્રણવ જણાવે છે દાંતને લગતો અમારા મ્યુઝિયમ નો ખજાનો ‘ખાનગી વ્યક્તિની માલિકીનો એશિયાનો સૌ થી મોટો સંગ્રહ’  હોવાનું અમારા ધ્યાનમાં આવ્યું છે અને ટૂંક સમયમાં નામાંકીત સંસ્થાઓ દ્વારા આ હકીકત પ્રમાણિત કરવામાં આવે એવો પ્રયત્ન છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code