સંત રવિદાસ જયંતી નિમિત્તે રવિવારે ગુજરાતમાં ઠેરઠેર શોભાયાત્રાનું આયોજન
[અલકેશ પટેલ], અમદાવાદ, 31 જાન્યુઆરી, 2026 – birth anniversary of Saint Ravidas સંત શિરોમણી પૂજ્ય રવિદાસની 649મી જન્મજયંતી નિમિત્તે આવતીકાલે રવિવારે માઘી પૂર્ણિમાના પવિત્ર દિવસે અમદાવાદ શહેર સહિત ગુજરાતમાં ઠેરઠેર શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.
આ અંગે રિવોઈ સાથે ખાસ વાત કરતાં શોભાયાત્રા આયોજન સમિતિના એક અગ્રણી હિતેશભાઈ પટેલે જણાવ્યું કે, આવતીકાલે રવિવારે સવારે માઘી પૂર્ણિમાના દિવસે અમદાવાદમાં મોટરસાઈકલ અને કાર રેલી દ્વારા શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. હિતેશભાઈએ માહિતી આપી કે, આ શોભાયાત્રમાં એક હજારથી વધુ લોકો જોડાશે.
શોભાયાત્રા ક્યાંથી શરૂ થશે અને સમાપન ક્યાં થશે?
હિતેશભાઈએ રિવોઈને જણાવ્યું કે, આવતીકાલે રવિવારે સંત રવિદાસજીની 649મી જન્મજયંતી છે. એ નિમિત્તે સવારે નવ (9) વાગ્યે આશ્રમ રોડ ઉપર ટાઈમ્સ ઑફ ઈન્ડિયા પાસેથી આ શોભાયાત્રા શરૂ થશે અને નહેરુબ્રિજ થઈને લાલ દરવાજા, રિલિફ રોડ, વીર ભગતસિંહ હૉલ, ડૉ. બાબાસાહેબ આંબેડકર હૉલ, બાપુનગર, અનિલ મિલ, મેમ્કો સર્કલ, મેમ્કો બ્રિજ થઈને રોહિદાસનગર સોસાયટી, મહાકાળી મંદિર, ગિરધરનગર, શનિદેવ મંદિરથી સર્કિટ હાઉસ શાહીબાગ પાસે પૂર્ણાહૂતી થશે. આ શોભાયાત્રા કુલ 32 કિ.મી.ની હશે.
(અમદાવાદમાં 2025માં યોજાયેલી શોભાયાત્રાનો ફાઈલ વીડિયો)
અમદાવાદમાં 2012થી સંત રવિદાસ જન્મજયંતીનું આયોજન થાય છે તેમ જણાવી તેમણે માહિતી આપી કે, વડોદરા, ગાંધીનગર, સુરેન્દ્રનગર, અમરેલી જેવાં અન્ય શહેરોમાં પણ સંત રવિદાસની યાદમાં કાર્યક્રમો અને શોભાયાત્રાનું આયોજન થાય છે. પોતે આગામી સમયમાં સંત રવિદાસ વિશે એક રાષ્ટ્રીય સેમિનારનું આયોજન કરવાનું પણ વિચારી રહ્યા છે તેમ હિતેશભાઈ પટેલે રિવોઈને જણાવ્યું હતું.
કોણ હતા સંત રવિદાસ?
રોહિદાસ તરીકે પણ ઓળખાતા 15મી સદીના આ મહાન સંત ભારતની ભવ્ય ભક્તિ પરંપરાના એક ધ્રુવતારક છે. હિન્દુ સમાજને જ્ઞાતિ-જાતિના વાડામાંથી બહાર લાવીને સાચી સમરસતાની દિશામાં આગળ વધવા પ્રેરણા આપનાર રવિદાસજી સંત, કવિ અને દાર્શનિક હતા.
ઉત્તરપ્રદેશના વારાણસી જિલ્લામાં જન્મેલા આ સંત તેમના સમાજોથ્થાનના કાર્યો, સામાજિક સમરસતાને પ્રોત્સાહન આપતાં તેમનાં ભક્તિપદોને કારણે સમગ્ર ભારતમાં સન્માન પામ્યા હતા.
પંજાબ, હિમાચલ પ્રદેશ અને હરિયાણા ઉપરાંત ગુજરાત સહિત ઘણાં રાજ્યોમાં સંત રવિદાસનું ભક્તિ આંદોલન આજે પણ દેશને માર્ગદર્શન આપે છે.


