
ઈલેક્ટ્રિક કારનું ઉત્પાદન ચીનમાં, વેચાણ ભારતમાં એ નહીં ચાલે: નીતિન ગડકરી
- ભારતમાં ઈલેક્ટ્રિક કારનો ટ્રેન્ડ વધ્યો
- આ વિષય પર નીતિન ગડકરીનો જવાબ
- ચીનને ટાંકીને ટેસ્લાને આપ્યો જવાબ
અમદાવાદ: ભારતમાં પણ ઈલેક્ટ્રિક કારનું વેચાણ વધી રહ્યું છે, કેટલાક લોકો હવે ઈલેક્ટ્રિક કારને ખરીદવાનું વધારે પસંદ કરી રહ્યા છે. આવા સમયમાં ભારતના કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરી દ્વારા પણ ટેસ્લા અને ચીનને ટાંકીને કહેવામાં આવ્યું કે ઈલેક્ટ્રિક કાર ઉત્પાદક ટેસ્લાનું ભારતમાં સ્વાગત છે, પરંતુ કંપનીની ઈવી કારનું ઉત્પાદન ચીનમાં અને વેચાણ ભારતમાંની નીતિ જરા પણ ચલાવી નહીં લેવાય.
ગડકરીએ ખુલાસો કર્યો હતો કે અહીં ઉત્પાદન એકમ સ્થાપવા ટેસ્લાને સંમત કરી શકાય તે માટે તેમણે ટેસ્લાના ભારતના પ્રમુખ સાથે વાત કરી હતી.
ઈલેક્ટ્રિક કાર માટે ભારત ખૂબ જ મોટું બજાર છે. ટેસ્લાના સીઈઓ ઈલોન મસ્કે તાજેતરમાં કંપનીના ભારતીય બજારમાં પ્રવેશ કરવામાં આવતી સમસ્યાઓ અંગે ટ્વીટ કરીને હોબાળો મચાવ્યો હતો. તેમણે ભારત સરકારને ઈલેક્ટ્રિક કારની આયાત પરની જંગી ડયુટીમાં ઘટાડો કરવા માગણી કરી હતી. અનેક રાજ્યોએ ટેસ્લાને ભારતમાં ઈલેક્ટ્રિક કારનું ઉત્પાદન એકમ સ્થાપવા આમંત્રણ આપ્યું હતું.
ભારતીય ઓટોમોબાઈલ ઉદ્યોગનો કારોબાર રૂ. 7.5 લાખ કરોડ છે. અમારું લક્ષ્ય તેને વધારીને 15 લાખ કરોડ રૂપિયાનો કરવાનો છે. તેમણે દાવો કર્યો કે આગામી પાંચ વર્ષમાં ભારત દુનિયામાં ઓટોમોબાઈલ ક્ષેત્રમાં નંબર-1 ઉત્પાદન કેન્દ્ર હશે. આખી દુનિયામાં ઓટો ક્ષેત્રની બધી જ પ્રતિષ્ઠિ બ્રાન્ડ ભારતમાં છે. તેમના ઉત્પાદન એકમો પણ અહીં છે.