Site icon Revoi.in

વડોદરામાં સેન્ટ્રલ બસ સ્ટેશન પર યુરિન માટે રૂપિયા 10 વસુલાતા વિરોધ

Social Share

વડોદરાઃ શહેરના સેન્ટ્રલ બસ સ્ટેશન અદ્યત્તન બનાવવામાં આવ્યું છે. બસ સ્ટેશનમાં પ્રવાસીઓ વોશરૂમમાં યુરિના માટે જાય ત્યારે હાજર કર્મચારીને ફરજિયાત રૂપિયા 10 આપવા પડે છે. શૌચાલય કર્મચારી દ્વારા રૂપિયા માંગવામાં આવતા હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ વિડીયો એક જાગૃત નાગરિકે બનાવ્યો હોવાનું જાણવા મળે છે.

વડોદરા સેન્ટ્રલ બસ સ્ટેશનમાં રોજબરોજ અનેક પ્રવાસીઓ આવતા હોય છે. ત્યારે કેટલાક પ્રવાસીઓ યુરિનલ માટે શૌચાલયમાં જાય ત્યારે ગેટ પર હાજર સફાઈ કર્મચારી દ્વારા પ્રત્યેક પ્રવાસીને રૂપિયા 10 માગવામાં આવે છે. જોકે મોટા ભાગના પ્રવાસીઓ માથાકૂટ કર્યા વિના રૂપિયા 10 આપી દેતા હોય છે.ત્યારે 10 રૂપિયા કાયદેસર લેવામાં આવે છે કે કેમ તેનો કાઈ પાસે જવાબ નથી. કારણ કે 10 રૂપિયાની રસિદ કે ટિકિટ આપવામાં આવતી નથી. શૌચાલયમાં પ્રવેશ કરતા જ રૂપિયા માંગવામાં આવે છે અને ઇનકાર કરવામાં આવે તો વાદવિવાદની પરિસ્થિતિ સર્જાય છે. મજબૂરીમાં લોકો પૈસા ચૂકવી રહ્યા છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા સમગ્ર દેશમાં સ્વચ્છ ભારત અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. ખુલ્લામાં શૌચમુક્ત ભારતના હેતુથી જાહેર શૌચાલયોની સુવિધા વિકસાવવામાં આવી છે. નિયમ મુજબ પે એન્ડ યુઝ શૌચાલયોમાં યુરિનલની સુવિધા સંપૂર્ણપણે નિઃશુલ્ક હોવી જોઈએ, જ્યારે માત્ર લેટ્રીન માટે નક્કી કરેલ ચાર્જ જ વસૂલવાનો હોય છે. સેન્ટ્રલ બસ સ્ટેન્ડ પર દરરોજ રાજ્યના વિવિધ શહેરો તેમજ અન્ય રાજ્યોમાંથી લાખો પ્રવાસીઓની અવર-જવર રહે છે. આ બસ સ્ટેન્ડ પીપીપી (પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ) ધોરણે ખાનગી કંપનીને આપવામાં આવ્યું છે. આ સમસ્યા માત્ર એસટી ડેપો પૂરતી સીમિત નથી. વડોદરા શહેરમાં લોકભાગીદારીથી શરૂ કરાયેલા અનેક જાહેર શૌચાલયોમાં પણ યુરિન માટે રૂપિયા લેવામાં આવતા હોવાની ફરિયાદો અગાઉથી છે. આ સમગ્ર મામલે જાગૃત નાગરિકે સરકાર અને સંબંધિત સત્તાધીશોને ધ્યાન દોરી તાત્કાલિક તપાસ કરી જવાબદાર સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે.

 

 

 

Exit mobile version