
પાલનપુરઃ જિલ્લામાં સરકારી જમીનો પર અનેક દબાણો થયેલા છે. પરંતુ તંત્ર દ્વારા કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવતી નથી. જિલ્લાના અમીરગઢના ખારી જંગલ વિભાગના સર્વે નંબર-13 માં કેટલાક ભૂમાફીયાઓ દ્વારા જંગલનું સરેઆમ નિકંદન કાઢી આશરે 200 વીઘામાં ખેતી કરવામાં આવી રહી છે. વન વિભાગની ઢીલી કામગીરીને લઈને સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો હતો. તંત્ર દ્વારા આંખ આડા કાન કરાતા આજુબાજુ સાત ગામના પર્યાવરણ પ્રેમીઓ દ્વારા ગઈકાલે ખારી ગામના જંગલમાં જઈને વિરોધ કર્યો હતો. જેથી વન વિભાગના અધિકારીઓ દોડતા થઇ ગયા હતા. જ્યારે જંગલ વિભાગની જમીન ખાલી કરવાની તંત્રએ બાંહેધરી આપતાં પર્યાવરણ પ્રેમીઓ શાંત થયા હતા.
સૂત્રોના જણાવ્યા મુજબ બનાસકાંઠાના અમીરગઢ તાલુકાના બાલુન્દ્રા ફોરેસ્ટ રેન્જના તાબા હેઠળ આવતાં ખારી જંગલ વિસ્તારના સર્વે નંબર-13 માં જંગલનું સરેઆમ નિકંદન કરી અંદાજે 200 વીઘા જમીનમાં ભૂમાફીયાઓ દ્વારા ખેતી કરવામાં આવી રહી છે. ત્યારે ખારી જંગલ વિસ્તારમાં પર્યાવરણ પ્રેમીઓએ જંગલમાં કટિંગ કરી તેમાં મોટા ખેતરો નીકાળી ખેતી કરવામાં આવતા વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ કાર્યવાહી થતી નહતી. આમ વર્ષોથી જંગલની જમીનમાં ભૂમાફીયાઓ દ્વારા આવા ગોરખધંધા થઇ રહ્યા હોવા છતાં તંત્ર મૌન સેવી રહ્યું હતું. જંગલની જમીન પર ખેતી કરી જંગલના બનાવેલા ડેમ તળાવમાં મશીન મૂકી તેમાં સિંચાઇ કરવામાં આવી રહી છે, અને પાકા અને કાચા મકાનો બનાવી દેવામાં આવ્યા છે. જેને લઇ પર્યાવરણ પ્રેમીઓમાં રોષ ફેલાયેલો હતો. ત્યારે બુધવારે સાત જેટલા ગામોના પર્યાવરણ પ્રેમીઓ જંગલ બચાવો અભિયાનને વાચા આપવા માટે ખારી જંગલ વિસ્તારમાં ઘસી આવ્યા હતા અને વિરોધ દર્શાવ્યો હતો. જેને લઇ વન વિભાગના અધિકારીઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા.
વન વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે,જંગલના સર્વે નંબર-13 માં સરકારના નિયમ મુજબ 18 સનદ આપવામાં આવી છે પરંતુ વધારે દબાણ હોવાથી તેની માપણી કરવાની હતી પરંતુ ચૂંટણી આવતા મોકૂફ રાખવામાં આવી છે અને હવે સર્વે હાથ ધરી દબાણકર્તાઓ ઉપર કાર્યવાહી કરવામાં આવશે. જે પણ દબાણો હશે તેને તોડી પડાશે. ત્યારબાદ વન વિભાગ દ્વારા પ્રોટેકશન દીવાલ બનાવી જમીનને જંગલ હસ્તક કરવામાં આવશે તેવી ખાત્રી આપી હતી.